બાળપણમાં દાદી કહાની સંભળાવતા હતા. એમાં ખાસ કરીને અકબર અને બિરબલની કથા બહુ ચાલતી. એક વેળાની વાત છે કે બાદશાહ અકબર આલાગ્રાન્ડ અત્તરની સુગંધ લઈ રહ્યા હતા. ત્યાં અચાનક અત્તરનાં કેટલાક ટીપાં જાજમ પર પડી ગયા. બાદશાહે પડી ગયેલા અત્તરને આંગળીઓથી ઉસેટીને સુંઘવાની નિષ્ફળ કોશીશ કરી. ત્યાંથી જઈ રહેલા બિરબલની દૃષ્ટિ બાદશાહ પર પડી. બાદશાહ બિરબલની બુદ્વિમત્તાના કદરદાન હતા. તેઓ ઈચ્છતા હતા કે બિરબલની નજરમાં તેમની આબરૂ ભાંગીને ભૂક્કો ન થાય. બાદશાહે વિચાર્યું કે બિરબલ આવી સ્થિતિમાં મને જોઈ જશે તો વિચારશે કે એક બાદશાહ અત્તરનાં કેટલાક ટીપાં માટે ભોંયભૂ થઈ ગયો. પણ બિરબલ તો બાદશાહને જમીન પર ઝૂકેલા જોઈ ગયો હતો અને “ખિસયાની બિલ્લી કૌવા નોચે” જેવો ઘાટ થયો હતો એટલે હવે આ ઝૂકલગીરીને વાળવાની હતી.
કેટલાક દિવસો પછી બાદશાહે અત્તરકાંડ સર્જી દીધું. બાદશાહે ઢંઢેરો પિટયો કે આગ્રા શહેરના સૌથી મોટા હોજ(પાણી માટે બનાવેલું ચોરસ કે ગોળ ખાબોચીયું)ને સુગંધિત અત્તરોથી ભરી દેવામાં આવે. બાદશાહના આદેશનું પાલન થયું અને હોજ ભરી દેવામાં આવ્યું. લોકો મૂક્તમને અને મૂક્તપણે અત્તરને લેવા માંડ્યા. ત્યાર બાદ સાંજના સમયે બાદશાહ અને બિરબલ મહેલનાં ધાબા પર ઉભા રહીને બધું જોઈ રહ્યા હતા. લોકો ડોલમાં ભરીને અત્તર લઈ જઈ રહ્યા હતા.
અકબરે બિરબલને કહ્યું” કેમ બિરબલ, કેવું લાગે છે? બિરબલે હાસ્ય વેરીને કહ્યું “ જો બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી” મતલબ કે એક ટીપાં માટે ઝુકવું પડ્યું અને તેને છુપાવવા માટે હોજ ભરી દેવું એ નરી મૂર્ખતા છે. ગુજરાત કોંગ્રેસમા સિનિયર નેતાઓની હાલત અત્તર માટે ઝુકવાનો ગુનો છુપાવતા અકબર બાદશાહ જેવી છે.
અર્જુન મોઢવડીયાએ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાની સામે બૂંગીયો પોકારી દીધો છે. સિનિયર નેતાઓને અન્યાય થાય છે એમ કહીને મોઢવડીયાએ પોતાના નિવાસે મીટીંગ કરી નાંખી. કોંગ્રેસના 20થી વધુ નાના-મોટા નેતાઓ ભેગા થયા. રાજીવ સાતવ અને રાહુલ ગાંધીને મળવાની તજવીજ હાથ ધરી અને પોતાનો બળાપો કાઢયો.
હવે નેતાઓની વાત કરીએ. અર્જુન મોઢવડીયા પોતે પ્રમુખ રહ્યા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પણ રહ્યા તે સમયે તેઓ ઘરતીથી 10 ફૂટ અધ્ધર ચાલતા હતા. મો઼ઢવડીયા અને તેમના ટેકેદારોએ ભરતસિંહ સોલંકીનો એકડો કાઢી નાંખ્યો હતો. મોઢવડીયાએ ભરતસિંહ સોલંકીના માણસોને હાંસિયામાં ધકેલી દીધા હતા અને પોતાનું એકહથ્થુ શાસન પ્રસ્થાપિત કર્યું હતું. મોઢવડીયા અને તેમના વફાદારો હાથમાં ઝાલ્યા ઝલાતા ન હતા. એવું કહેવાય છે કે હરીફોને સાફ કરવામાં તે સમયે મોઢવડીયાએ પણ કશું બાકી રાખ્યું ન હતું.
હવે દિનશા પટેલની વાત કરીએ તો દિનશા પટેલે 2014ની લોકસભાની ચૂંટણીમાં પોતાની રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી હતી અને ચૂંટણી નહીં લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો બાકી 2014માં પણ કોંગ્રેસ તેમને ટીકીટ આપવાની તેૈયારીમાં હતી. પાછલા કેટલાક સમયથી દિનશા પટેલ રાજકારણમાંથી આઉટ થયેલા છે.
નરેશ રાવળની વાત તો, નરેશ રાવળને તેમના ગામમાં લોકરોષનું ભોગ બનવું પડ્યું હતું. દરેક ચૂંટણીમાં તેમને ટીકીટ જોઈએ અને હાર પણ. તુષાર ચૌધરીએ તો સુરત-તાપી જિલ્લામાં કોંગ્રેસની શું દશા કરી તે બધા જાણે છે .સિધ્ધાર્થ પટેલ પણ પ્રમુખ રહી ચૂક્યા છે પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસની દશા ઉભરવાના બદલે ડૂબક-ડૂબક થઈ ગઈ હતી, પણ મોઢવડીયાની વાંહે-વાંહે બધા મંડી પડ્યા છે.
મોઢવડીયાને બે વખત પોરબંદરની ટીકીટ આપવામાં આવી અને બન્ને વખત તેઓ હારી ગયા. હારના કારણોમાં તેઓ પોતે જ જવાબદાર છે. પોરબંદરમાં કોંગ્રેસનું સંગઠન પડી ભાંગ્યા પછી ઉભા કરવાની કોશીશો અત્યાર સુધી તો નકામી દેખાય છે. ભરતસિંહે કોંગ્રેસમાં શું કર્યું તો એટલું ચોક્કસ કહેવાય કે 42 સીટમાં બેગણો ફાયદો કરાવ્યો અને 80 કરી આપી. પછી તેમાં હાર્દિક, અલ્પેશ કે જિજ્ઞેશ મેવાણી ફેકટર હોય. રિપોર્ટ કાર્ડ તો ભરતિસંહના નામે પોઝીટીવ જ બનશે. અમિત ચાવડા યુવા છે, નવી ઈનિંગ્સ રમી રહ્યા છે, સિનિયરોની નારાજગી હોય તો અકબર બાદશાહ જેવું અત્તરકાંડ સર્જવાની જરૂર નથી. આ બધું નારાજીગીના રોદણા છે કે પછી તારાજગીના તાપણા છે, એ કળવું જરાય મુશ્કેલ નથી. અંતે એટલું કહેવાનું કે “જો બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી” અને “હાથનાં કર્યા હૈયે વાગે છે” એ રાજનીતિનો જૂનો દાવ છે. “જૈસે કે સાથ તૈસા” (ટીટ ફોર ટેટ)ની રાજરમત કોંગ્રેસમાં પરંપરાગત રીતે ચાલતી આવી છે.