ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.અને આ કડકડતી ઠંડીમાં સમગ્ર ગુજરાત ઠુંઠવાયું છે. ગાંધીનગર, ડીસા, મહુવા અને નલિયામાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. તો સૌરાષ્ટ્રભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું અને તાપમાનમાં વધુ એક-બે સેલ્સિયસનો ઘટાડો થતા ધ્રુજાવી દેતી શીતલહેર ફરી વળી હતી. ગીરનાર જાણે કે હિમાલય જેવો ઠંડો લાગતો હતો. ત્યાં ગઈકાલે ન્યુનત્તમ તાપમાન ૨ સેલ્સિયસ સુધી નીચે ઉતરી ગયું હતું તો જુનાગઢ અને અમરેલીમાં પણ ૭ સેલ્સિયસ તાપમાને મૌસમની સૌથી વધુ તીવ્ર ઠંડી નોંધાઈ છે.
અનેક શહેરોમાં તાપમાનનો પારો ૧૦ સે.નજીક પહોંચી ગયો હતો. હવામાન વિભાગના મતે ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાના પવનને પગલે ઠંડીમાં વધારો થયો છે. આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છ, અમદાવાદ-ગાંધીનગર, દક્ષિણ ગુજરાતના વલસાજ-સુરતમાં કોલ્ડવેવ રહેશે અને કડકડતી ઠંડીનો અનુભવ થશે. ગુજરાતની પડોશમાં આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીમાં ઘટાડો થતાં ૧ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું