કહેવાય છેકે, રાજકારણમાં કોઇ સિદ્ધાંત કે મુલ્યો હોતાં નથી. આ વર્તમાનમાં તમામ રાજકિય પાર્ટીઓ માટે ફીટ બેસે છે. જે ગાંધીના મુલ્યો સાથે ભાજપ કે આરએસએસને સનાન સૂતકનો પણ સંબંધ નથી. જે રાજનેતાઓ ગાંધીના આદર્શો કે મુલ્યોને ઘોળીને પી ગયા છે. ત્યારે, હવે ચૂંટણી નજીક આવતાં ગાંધીના માર્ગે વાળવાની વેતરણ કરવા લાગ્યા છે. ત્યારે, ભાજપ પણ આખરે ગાંધીના માર્ગે જવા પ્રયાસમાં લાગી ગયું છે. તો, શું હવે સરદારના નામે ચૂંટણીની વેતરણી પાર પડે તેમ ન હોવાથી ગાંધીનો આશરો લીધો છે કે કેમ તેવો રાજકીય આલમમાં મત પ્રવર્તી રહ્યો છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતિની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે, કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા સાત દિવસ સુધી મહાત્મા ગાંધીના મુલ્યોના બુનિયાદી શિક્ષણ અને વિચારધારાના ફેલાવા માટે પદયાત્રા યોજશે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી આ પદયાત્રા યોજાશે. ગાંધી મુલ્યો અને ગાંધીજીની શિક્ષણ પ્રણાલીને ઉજાગર કરવા માટે આ પદયાત્રા 150 કિમી જેટલી પદયાત્રા પથ યોજાશે. જોકે, આ યાત્રા ભાવનગર જિલ્લા પુરતી હોવાથી તેમાં 150 જેટલા ગામોમાં આ યાત્રા ફરશે.
આ અંગે વધુ માહિતી આપતાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વિવિધ સ્વૈચ્છિક સંગઠનો અને બુનિયાદી શાળાઓના સહયોગથી એક સપ્તાહ સુધી આ કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે. ગાંધીજીએ બતાવેલા 11 મહાવ્રતોના આધારે 11 મહાવ્રત સભાઓ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, મંત્રીમંડળના સભ્યો તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિત સામાજિક અને રાજકિય આગેવાનો પણ જોડાશે. પદયાત્રાની સાથે સાથે ગામડાઓની સફાઇ, મેડિકલ કેમ્પ, વ્યસન મુક્તિ સંકલ્પ, ગ્રામ્ય કારીગરોનું સ્નમાન, કૃષિ માર્ગદર્શન શિબિર જેવા રચનાત્મક કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવશે.
કેન્દ્રિય પ્રધાન ભાવનગર જિલ્લામાં પોતાના જનસંપર્ક અભિયાનને તેજ કરી રહ્યા છે. ત્યારે, ક્યાંક તેમને રાજ્યસભાના બદલે લોકસભામાં ભાવનગરમાંથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. આ લોકસભા ચૂંટણીના ભાગરૂપે તેમના પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.