સુરતના પુણા વિસ્તારમાં મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા દલિત પુરુષે આત્મહત્યા કરતા પરિવારજનો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. ભાવેશ રાઠોડ નામના દુકાનદારે વ્યાજખોરોના આતંકથી આત્મહત્યા કરી હોવાનું સ્યુસાઈડ નોટ પરથી જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ ભાવેશ રાઠોડે પચાસ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. પચાસ હજારની સામે વ્યાજના રૂપિયા ભરવામાં ભાવેશ રાઠોડ પર વ્યાજે નાણા આપનારા વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપવામાં આવતો હતો અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. વ્યાજખોરોએ પચાસ હજારની સામે લાખો રૂપિયા બાકી હોવાનું કાઢ્યું હતું. વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળીને ભાવેશ રાઠોડે ગઈકાલે સાંજે અનાજમાં નાંખવાની ગોળીઓ ગળી લીધી હતી.
ભાવેશ રાઠાડે પોતાની સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે હું ભાવેશ રાઠોડ હોશમાં લખું છું કે લેણાવાળાની ઉઘરાણીના હિસાબે હું આ પગલું ભરું છું. લેણાવાળા તરીકે ભાવેશ રાઠોડે સુરેશ નાગજી વસાણી, પ્રદીપ લેસવાળા(એમઆઈ લેસવાળા) અને વિનુભાઈ, રવિભાઈ (સત્ય નારાયણ સોસાયટીના ગલ્લાવાળા) અને આર્મીમાં સર્વિસ કરતા વિક્રમસિંહનું નામ લખ્યું છે. આ વ્યાજખોરો દ્વારા ભાવેશ રાઠોડ પર રૂપિયા આપવા માટે દબાણ અને ધાક-ધમકી આપવામાં આવતી હતી. વ્યાજખોરોના ત્રાસથી ભાવેશે અંતિમ પગલું ભર્યું હતું.
ભાવેશ રાઠોડે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે મને કોઈ રસ્તો દેખાતો ન હતો. લેણાવાળા અંગે મારી પત્ની કે છોકા કશું જાણતા નથી. મને ધંધા કરવા દેતા નથી. જેથી કરીને આ પગલું ભર્યું છે.
ભાવેશ રાઠોડની આત્મહત્યા બાદ પરિવારજનોએ સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લાશ લેવાનો ઈન્કાર કર્યો હતો અને વ્યાજખોરો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવાની માંગ કરી હતી.