નવું વર્ષ શરૂ થવાની સાથે જ ગુજરાત ભાજપમાં ફેરબદલના ભણકારા વાગી રહ્યા છે. જસદણમાં સામા પ્રવાહે તરીને ચૂંટણી જીતેલા કુંવરજી બાવળીયાને દિલ્હીનું તેડું આવતા ગાંધીનગરમાં ગરમાગરમ ચર્ચાએ જોર પકડ્યું છે. કુંવરજીને પ્રમોશન મળી રહ્યું હોવાની અટકળો પણ ચાલી રહી છે.
અગાઉ અમે લખ્યું હતું કે કોળી સમાજને પોતાની સાથે રાખવા માટે ભાજપ કુંવરજીને કેબિનેટ મંત્રી કરતાં પણ વધુ પ્રમાણમાં પ્રમોટ કરવા અંગે વિચારણા કરી રહ્યો છે. ભાજપ હાઈ કમાન્ડ ગુજરાત મામલે ત્રિવિધ ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે. સ્મૃતિ ઈરાનીને સીએમ બનાવી, ડેપ્યુટી સીએમ રાખવા અને અથવા તો ડેપ્યુટી સીએમની પોસ્ટ જ સમાપ્ત કરવી. આ ઉપરાંત કુંવરજીને સીએમની કમાન સોંપી ડેપ્યુટી સીએમ ચાલુ રાખવા. ભાજપ હાઈ કમાન્ડ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કન્દ્રીય નેતાગીરીમાં લઈ જઈને પ્રમોશન આપી શકે છે.
એટલે કે વિજય રૂપાણી માટે પણ નવા દરવાજા ખુલવાની શકયતા ઉભી થશે એવું ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે. કુંવરજીને દિલ્હીનું તેડું આવ્યું છે તેઓ પરમ દિવસે ધારાસભ્ય તરીકેના શપથ લેવાના હતા પરંતુ તાકીદે આવતીકાલે તેઓ ધારાસભ્ય તરીકેના શપથ પણ ગ્રહણ કરવાના છે.
ભાજપ વર્તુળોની વાત માનીએ તો નીતિન પટેલ માટે પણ ખબર એવી છે કે તેમને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે. અટળકળોનું બજાર ગરમ છે. ભાજપના નેતાઓ મગનું નામ મરી પાડી રહ્યા નથી અને તરેહ-તરેહની વાતો થઈ રહી છે. ફાઈનલ ચિત્ર વાયબ્રન્ટ ગુજરાત બાદ જ ઉપસી શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.