Chickpea cultivation in Gujarat: ચણા (Gram / Chickpea) સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળાનો મહત્વનો પાક ગણાય છે. આ પાક ઓછા પાણીમાં પણ સારું ઉત્પાદન આપે છે અને જમીનને પોષણશક્તિ પણ પૂરું પાડે છે. ગુજરાતમાં ચણાની ખેતી મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવે છે.
યોગ્ય આબોહવા અને જમીન પસંદગી
ચણાનું વાવેતર ઠંડકભરી અને સૂકી આબોહવામાં શ્રેષ્ઠ થાય છે. ઓછો ભેજ ધરાવતા પ્રદેશોમાં પણ આ પાક સારો ઊગે છે. કાળી કે મધ્યમ કાળી કાંપવાળી જમીન ચણાના પાક માટે ઉત્તમ ગણાય છે. હેક્ટર દીઠ 8 થી 10 ટન સુધી સડેલું છાણિયું ખાતર જમીનમાં મિશ્રિત કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે.
ચણાની ઉત્તમ જાતો
ખેડૂતો માટે વધુ ઉપજ આપતી કેટલીક પરીક્ષિત જાતો નીચે મુજબ છે:
ગુજરાત ચણા – 1
ગુજરાત ચણા – 2 (ભાલ વિસ્તાર માટે)
ગુજરાત જૂનાગઢ ચણા – 3
ગુજરાત ચણા – 5
ગુજરાત જૂનાગઢ ચણા – 6
આ જાતો વિવિધ વિસ્તારોની હવામાન પરિસ્થિતિમાં અનુકૂળ છે અને વધુ ઉપજ સાથે રોગ પ્રતિકાર શક્તિ ધરાવે છે.

બીજ માવજત અને ફૂગનાશક ઉપચાર
ચણાના બીજની વાવણી પહેલાં ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો જરૂરી છે.
દરેક કિલો બીજમાં નીચે મુજબનું મિશ્રણ કરવું જોઈએ:
કાર્બનડાઝિમ – 1 ગ્રામ
થાયરમ – 2 ગ્રામ અથવા ટ્રાઈકોડર્મા વિરીડી – 4 ગ્રામ
વાઈટા વેક્સ – 1 ગ્રામ
ત્યારબાદ રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવાથી છોડમાં નાઇટ્રોજન ગ્રહણ ક્ષમતા વધે છે.
ખાતર વ્યવસ્થાપન
ચણાની વાવણી વખતે જ પાયાના ખાતર આપવાથી પાકની વૃદ્ધિ ઝડપી થાય છે.
હેક્ટર દીઠ નીચે મુજબ ખાતર આપવું યોગ્ય છે:
નાઇટ્રોજન – 25 કિલો
ફોસ્ફરસ – 50 કિલો
ગંધક – 20 કિલો
રાઈઝોબિયમ જીવાણુઓ 20 થી 25 દિવસમાં સક્રિય થાય છે, જેનાથી છોડ હવામાંથી નાઇટ્રોજન શોષી શકે છે.

પિયત અને નિંદામણ નિયંત્રણ
ચણાના પાકમાં પાણીનું સંચાલન ખૂબ અગત્યનું છે. પ્રથમ પિયત વાવેતર બાદ આપવું જોઈએ અને ત્યારબાદ નીચેની અવસ્થાઓમાં પાણી આપવું લાભદાયી છે:
ડાળી ફૂટવાની અવસ્થા
ફૂલ આવવાની અવસ્થા
પોપટા આવવાની અવસ્થા
દાણા ભરાતી અવસ્થા
વાવેતર પછી 25 થી 30 દિવસમાં એક આંતર ખેડ કરવાથી નિંદામણ પર નિયંત્રણ રહે છે. જો હાથથી નિંદામણ શક્ય ન હોય તો, ચણા ઊગે તે પહેલાં યોગ્ય દવાનો છંટકાવ કરવો જોઈએ.
ચણાની સફળ ખેતી માટે યોગ્ય આબોહવા, સુધારેલી જાતો, સંતુલિત ખાતર અને પિયત વ્યવસ્થાપન અત્યંત આવશ્યક છે. દરેક વિસ્તારની જમીન અને હવામાન અલગ હોવાથી કૃષિ નિષ્ણાતની સલાહ લઈને યોગ્ય પદ્ધતિ અપનાવવી જોઈએ જેથી વધુ ઉપજ અને ગુણવત્તાસભર ઉત્પાદન મળી શકે.

