નવા વર્ષ નિમિત્તે મોદી સરકારે દેશવાસીઓને ભેટ આપતા ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, આ નિર્ણય 1લી જાન્યુઆરી 2019થી લાગૂ કરવામાં આવશે. સરકારના નિર્ણય હેઠળ સબસિડી ન મેળવતા ગેસ સિલિન્ડરની કિંમતમાં 120.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિલિન્ડર અત્યાર સુધી 809.50 રુપિયામાં મળતો હતો, જે હવે ઘટીને 689 રુપિયાની કિંમતે મળશે. બીજી તરફ સબસિડી મેળવી રહેલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 5.91 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડા પહેલા ગેસ સિલિન્ડરની કિંમત 500.90 રુપિયા હતી જે ઘટીને 494.99 રુપિયા થઇ છે.
દેશની બીજી સૌથી મોટી ખાદ્ય ઇંધણ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તેના એક નિવેદનમાં જણાવ્યું કે, 14.2 કિલોના સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત આજ અડધી રાત્રિ પછી 494.99 રુપિયા થઇ જશે. આ ડિસેમ્બર મહિના દરમિયાન આ બીજી વાર બન્યું છે કે, સરકારે એલપીજીના ભાવ ઘટાડ્યા હતા. આ પહેલા 1લી ડિસેમ્બરે એલપીજીની કિંમતમાં 6.52 રુપિયા સિલિન્ડર દીઢ ઘટાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જૂન માસથી 6 મહિના સુધી એલપીજીની ભાવમાં વધારો નોંધાયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીની કિંમત ઘટવા અને અમેરિકન ડોલર તુલનામાં રુપિયાના દરમાં મજબૂતી આવતા કંપનીઓ માટે ઇંધણના ભાવ ઘટવાની સંભાવનાઓ બની હતી. આ પહેલા 1લી ડિસેમ્બરે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 133 રુપિયા સિલિન્ડર દીઢ ઘટાડવામાં આવી હતી.