Rashtriya Bal Svasthya Karyakram Gujarat: SH-RBSK હેઠળ બાળકોના આરોગ્યમાં નોંધપાત્ર સફળતા
Rashtriya Bal Svasthya Karyakram Gujarat: ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને બાળકો સહિત તમામ નાગરિકોના આરોગ્ય પ્રત્યે સતત જાગૃત છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા (Praful Pansheriya)એ માહિતી આપતા જણાવ્યું કે, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (Rashtriya Bal Svasthya Karyakram – SH-RBSK) અંતર્ગત છેલ્લા 11 વર્ષોમાં એટલે કે 2014-15થી 2024-25 સુધી કુલ 15.89 કરોડથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન રાજ્યમાં બાળકોને સુપર સ્પેશિયાલિટી સ્તરે સારવાર આપવામાં આવી છે જેમાં 1.67 લાખ હૃદય સર્જરી અને સારવાર, 20 હજારથી વધુ કિડનીની સારવાર, 11 હજાર બાળકોને કેન્સર સારવાર, 206 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 37 લીવર ટ્રાન્સપ્લાન્ટ, 211 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તથા 3,260 કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવા ઉપચારનો સમાવેશ થાય છે. કુલ 2.18 લાખથી વધુ બાળકોને વિવિધ ગંભીર બીમારીઓમાં સંપૂર્ણપણે નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે.

બાળકોની આરોગ્ય તપાસથી લઈને ઉપચાર સુધીની સર્વગ્રાહી યોજના
પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે ગુજરાત સરકાર ભવિષ્યની પેઢીને વધુ તંદુરસ્ત બનાવવાના હેતુસર SH-RBSK યોજનાને પ્રાથમિકતા આપી રહી છે. નવજાત શિશુથી લઈને 18 વર્ષ સુધીના બાળકો – જેમાં આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ શાળાથી બહારના બાળકોનો પણ સમાવેશ થાય છે – તેમની નિયમિત આરોગ્ય તપાસ, સ્ક્રીનિંગ અને જરૂરિયાત મુજબની સારવાર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં હાલમાં 992 મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે. દરેક ટીમમાં બે આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને ANMનો સમાવેશ થાય છે. રાજ્યની દરેક ડિલિવરી પોઇન્ટ પર નવજાત શિશુઓનું જન્મ પછીનું “4D બર્થ ડિફેક્ટ સ્ક્રીનિંગ” પણ થાય છે, જેથી શરૂઆતમાં જ આરોગ્યની ખામી શોધી શકાય.

ટેકનોલોજી આધારિત આરોગ્ય પહેલ સાથે ડિજિટલ પ્રગતિ
મંત્રીએ વધુમાં જણાવ્યું કે દર વર્ષે સરેરાશ 1.89 કરોડથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. જરૂર જણાય તો બાળકોને PHC, CHC/SDH, જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ અથવા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રીફરલ દ્વારા નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.
રાજ્યમાં હાલ 28 જિલ્લા અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DIEC) કાર્યરત છે, જે બાળકોની તબિયત સંબંધિત નિદાન, રીફરલ અને સારવાર માટે સમર્પિત છે. આ યોજના સર્વ શિક્ષા અભિયાન અને ટેકો પોર્ટલ સાથે ઇન્ટીગ્રેટ છે, જેથી દરેક બાળકની આરોગ્ય માહિતી ડિજિટલ રૂપે ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવેલ બાળકોને બીજી વાર પ્રોસેસર પણ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરું પાડે છે. આ રીતે ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ ગુજરાતમાં બાળકોના સર્વાંગી આરોગ્ય વિકાસ માટેની એક આધુનિક, ટેકનોલોજી આધારિત અને માનવતાવાદી પહેલ બની છે.

