“વી સેવ લાઈવ્સ” સૂત્ર હેઠળ ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ
National Maritime Search and Rescue Board Meeting: ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard – ICG) દ્વારા આજે 10 નવેમ્બર 2025ના રોજ ગાંધીનગર ખાતે 23મી નેશનલ મેરીટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ (NMSAR) બોર્ડ મીટિંગ યોજાઈ રહી છે. આ મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણિ (AVSM, PTM, TM, DGICG) દ્વારા કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં વિવિધ મંત્રાલયો, વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો તેમજ દરિયાકાંઠાના રાજ્યોના પ્રતિનિધિઓ મળી કુલ 32 એજન્સીઓ ભાગ લઈ રહી છે.
આ બોર્ડ મીટિંગ ભારતમાં મેરીટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR) સંબંધિત તમામ નીતિ અને કામગીરી માટેનું સર્વોચ્ચ નિર્ણય લેવાનું મંચ છે. ભારત સરકારે વર્ષ 2002માં આ બોર્ડની સ્થાપના કરી હતી. NMSAR બોર્ડ ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલની અધ્યક્ષતામાં કાર્ય કરે છે અને સમગ્ર ભારતીય સર્ચ એન્ડ રેસ્ક્યુ રિજન (ISRR) — જે લગભગ 4.6 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે — તેમાં સહયોગ અને સમન્વય દ્વારા સલામતી અને બચાવ કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવે છે.

આ બોર્ડમાં ભારતીય નૌકાદળ, વાયુસેના, શિપિંગ ડિરેક્ટોરેટ, હવામાન વિભાગ (IMD), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, INCOIS, રાજ્ય મેરીટાઇમ બોર્ડ, બંદર સત્તાવાળાઓ, તેમજ અન્ય કેન્દ્ર અને રાજ્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લે છે. સાથે જ માછીમારી, વેપારી નૌકાદળ અને ઑફશોર ક્ષેત્રોના પ્રતિનિધિઓ પણ હાજર રહે છે. આ સહયોગી માળખો દરિયામાં થતી કોઈપણ અચાનક પરિસ્થિતિમાં ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરે છે.
View this post on Instagram
દર વર્ષે યોજાતી આ બેઠકનો હેતુ SAR નીતિઓની સમીક્ષા, કાર્યક્ષમતા સુધારવા, નવી તકનીકો અપનાવવા અને પ્રાદેશિક સહકાર વધારવા પર કેન્દ્રિત છે. આ વખતે પણ બેઠકમાં ભૂતકાળની બચાવ કામગીરીનું મૂલ્યાંકન, સંદેશાવ્યવહાર નેટવર્ક મજબૂત બનાવવાની યોજના, તાલીમ કાર્યક્રમો અને માછીમારોમાં સલામતી અંગે જાગૃતિ ફેલાવા માટેના ઉપાયોની ચર્ચા થવાની છે.
આ ફોરમ રાજ્યો વચ્ચેના Inter-Ministerial Dialogue માટે પણ એક અસરકારક પ્લેટફોર્મ પૂરૂં પાડે છે. ખાસ કરીને દરિયાકાંઠાના રાજ્યો માટે, જે દરિયાકાંઠા સુરક્ષા, બચાવ કામગીરી અને માછીમારોના હિતોની રક્ષા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. તાલીમ, મોક ડ્રિલ અને જાહેર જાગૃતિ અભિયાન મારફતે સમગ્ર Search and Rescue Frameworkને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે.

NMSAR બોર્ડનું ધ્યેય 1979ની International Maritime Search and Rescue Convention (IMO)ની ભાવનાને અનુરૂપ છે. તેનો સૂત્ર — “We Save Lives” — ભારતની માનવતાવાદી પ્રતિબદ્ધતા અને દરિયાઈ સલામતી પ્રત્યેની અડગ ઈચ્છાશક્તિને પ્રતિબિંબિત કરે છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) આજે ભારતની વાદળી સરહદોના ગર્વ અને અદમ્ય રક્ષક તરીકે ઉભું છે. સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત આ સશસ્ત્ર દળ દરિયાઈ હિતોના રક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને દરિયાઈ સલામતી સુનિશ્ચિત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવે છે. આધુનિક ટેક્નોલોજી, કુશળ માનવબળ અને સતત સજ્જતાથી ભરપૂર ICG ભારતના સમુદ્રની સલામતીની સૌથી વિશ્વસનીય શક્તિ બની ગઈ છે.

