પાટીદાર અનામત આંદોલનના આંદોલનકારી અને હાલ ખેડુતો માટે ન્યાયની લડત ચલાવી રહેલા પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલના માતા ઉષાબેન પટેલને લઈ સુરતના પોલીસ કોન્સટેબલે ફરીયાદ નોંધાવી છે. પોલીસ કોન્સ્ટેબલનો મોબાઈલ નંબર હેક કરી અજાણ્યા યુવાન દ્વારા હાર્દિકના માતા માટે ખરાબ શબ્દો લખાતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ સુરત પોલીસમાં ફરજ બજાવતા અશ્વિન ડાંગર નામના પોલીસ કોન્સટેબલો નોંધવેલી ફરીયાદ પ્રમાણે અજાણ્યા યુવાન દ્વારા ડાંગરના વ્હોટ્સ અપ નંબરને હેક કરી સોશિયલ મીડિયાનાં ગ્રુપમાં એલફેલ ભાષાનો ઉપયોગ કરી તેમના માટે બિભત્સ શબ્દ લખવામાં આવ્યા હતા. વ્હોટ્સ અપ ગ્રુપમાં આવા પ્રકારની હિન હરકત થતાં પોલીસ કોન્સ્ટેબલ ગભરાઈ ગયો હતો અને ગ્રુપમાં કોન્સ્ટેબલ પર અન્ય સભ્યો દ્વારા પસ્તાળ પાડવામાં આવી હતી
આજે સવારે અશ્વિન ડાંગરે સુરતના સાયબર પોલીસ મથકમાં વ્હોટ્સ અપ નંબર હેક કરી બિભત્સ શબ્દો લખનારા અજાણ્યા યુવાન વિરુદ્વ પોલીસ ફરીયાદ કરી છે. સુરત સાયબર સેલે ફરીયાદને વધુ તપાસ માટે મોકલી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરતમાં હેકીંગ વધી રહ્યું હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. આ મેસેજના કારણે પાટીદાર સમાજમા રોષ જોવા મળી રહ્યો છે. હાર્દિકના માતાને આવી રીતે નિશાન બનાવી કરવામાં આવેલા કૃત્ય સામે ચારેતરફથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.