પોલીસ ટ્રેનિંગ સ્કૂલના ડીવાયએસપી એન.પી.પટેલ ટ્રેઇની પીએસઆઈ દેવેન્દ્રસિંહ અને તેના જેવા તાલીમાર્થી પોલીસ કર્મચારીઓને કેવા પ્રકારનો ત્રાસ આપતા હતા, તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં એન.પી.પટેલની અઁજરમાં તાલીમ લઈ ચુકેલા પોલીસ કર્મચારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે કરાઈમાં ડીવાયએસપી પટેલનો ખૌફ છે. જે રીતે કેદીઓ સાથે વર્તન અને વ્યવહાર કરવામાં આવે છે, તેવો જ વ્યવહાર કરાઇ પોલીસ એકેડેમીના ટ્રેનર પટેલ તાલીમાર્થીઓ સાથે કરે છે. કરાઈ પોલીસ એકેડેમીમાં પણ તાલીમ લેવા આવતા પોલીસ કર્મચારીઓએ પૈસા ચૂકવવા પડે છે. જે તાલીમાર્થી પૈસા આપવાનો ઇન્કાર કરે એને નિશાન બનાવી પરેશાન કરાય છે
પોલીસ એકેડેમીની ટ્રેનિંગ સ્કૂલમાં દરેક એક્ટિવિટી માટે અલગ ટીમ બનાવવામાં આવે છે, જેમાં ટીમ લીડર બનાવવામાં આવે છે, જેના ઓથા હેઠળ પૈસા ઉઘરાવવામાં આવે છે. જેમાં બેરેક ટીમ ઈન્ચાર્જ, મેશ ટીમ ઈન્ચાર્જ, હાજરી માસ્તર, નોકરી ફાળવણી, સ્પોર્ટસ ઈન્ચાર્જ, જીમ ઈન્ચાર્જ સહિતના ઓથા હેઠળ પૈસા આપવા પડે છે.
કોન્સ્ટેબલની ટ્રેનિંગ 9 મહિનાની જ્યારે પીઆઈ – પીએસાઈની ટ્રેનિંગ 12 મહિનાની હોય છે. આ સમયમાં તાલીમાર્થી ટ્રેનિંગ સ્કૂલની બહાર જઇ શકતા નથી. તેમ છતાં તેમને જો કોઇ કારણસર બહાર જવું હોય તો બજાર પાસ કઢાવવો પડે છે. આ બજાર પાસ કઢાવવા માટે 500 રૂપિયા ચૂકવવા પડે છે.
એન.પી.પટેલે દેવેન્દ્ર પાસેથી તાલીમ દરમિયાન શિસ્તભંગના ઓથા હેઠળ રૂ.20 હજાર દંડ વસૂલ કર્યો હોવાનું દેવેન્દ્રસિંહની સાથે ટ્રેનિંગ લઇ રહેલા પીએસઆઈઓ પાસેથી જાણવા મળ્યું હતું. તેમજ રજા લઈને પોતાની દીકરીને મળવા માટે ઘરે જવા દેવા માટે પણ એન.પી.પટેલ દેવેન્દ્રિસંહ પાસેથી પૈસા માંગતો અને ન આપે તો હેરાન કરતો હતો.
.