ગત 28મી ડીસેમ્બરનાં રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં ધમાલ કરનાર અને પોલીસને ગાળો બોલનાર અલ્પેશ કથરીયા અને સમર્થકો સામે ટ્રાફિક જામ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પબ્લિકનાં માણસ તરીકે ખીમાભાઈ ચૌહાણે વરાછા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ વિરુદ્ધ અરજી કરી છે. મળતી વિગત પ્રમાણે ખીમાભાઈ ચૌહાણ પથરીનો દુ:ખાવો ઉપડતા પોતાની ગાડીમાં સારવાર કરાવવા માટે જઇ રહ્યા હતા.
ખીમાભાઈની કારને પણ કેટલાક લોકો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આરોપ છે. ખીમાભાઈ ચૌહાણે કહ્યું કે, “અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવિયા અને તેમના સમર્થકો ખોટી રીતે હંગામો કરીને લોકોને તકલીફ પહોંચાડી રહ્યા છે.” તેમણે કહ્યું કે, “પહેલા અનામત મુદ્દો હતો. હવે તો માત્ર બાઇક ઉપાડવામાં આવે તો પણ બધા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. લોકો ડરે છે તેથી સામે આવતા નથી, પરંતુ કોઇ એક જણે તો બોલવું જ પડશે.”