સુરતમાં કિશોરીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરના યુવકને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે અનોકી તરકીબ અપનાવી હતી.સોશિયલ મીડિયા ઉપર યુવતીના નામે આઇ લવ યુનો મેસેજ મોકલીને મળવા માટે બોલાવીને પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતના ચોકબજારમાં રહેતી 15 વર્ષીય કિશોરીને ગત 2-4-2018ના રોજ ધર્મરાજ અવધેશસિંગ ભગાડી ગયો હતો. પ્રેમજાળમાં ફસાવી ધર્મરાજ કિશોરીનું અપહરણ કરી ગયો હતો. જે અંગે કિશોરીના પરિવારજનોએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
પોલીસ ફરિયાદ બાદ કિશોરીના કાકાએ ધર્મરાજને કોલ કર્યો તો તેને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે પરિવારજનોએ પોલીસ કમિશ્નરને રૂબરૂ મળી રજૂઆત કરતા કમિશ્નરે બનાવને ગંભીરતાથી લઇ ક્રાઇમ બ્રાન્ચને આ કેસની તપાસ સોંપી હતી.દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને તેમની ટીમ ધર્મરાજને મધ્યપ્રદેશના થાર જિલ્લામાં આવેલા પ્રીથમપુર ગામેથી પકડી પાડ્યોહતો. તેમજ કિશોરીને પણ મુક્ત કરાવી હતી. હાથતાળી આપી સતત રહેણાંક બદલતા રહેતા ધર્મરાજને પકડવા માટે પોલીસે અજીબ તરકીબ અપનાવી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ધર્મરાજ પ્રેમના નામે સગીરાને ફસાવી ભગાવી ગયોહતો. તેની આ પ્રકૃતિને જ હથિયાર બનાવાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા ઉપર આઇડી બનાવી યુવતીના નામે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓએ ધર્મરાજ સાથે ચેટિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ મળવા બોલાવ્યો હતો. અહીં તે અપટુડેટ તૈયાર થઇ યુવતીને મળવા આવ્યો હતો. જ્યાં પોલીસે તેને પકડી પાડ્યો હતો.