કેન્દ્ર સરકાર સામે ખેડૂતોની સાથે હવે મજૂરો અને કર્મચારીઓનો રોશ વધી રહ્યો છે, જેને પગલે આગામી આઠ-નવ જાન્યુઆરીએ એટલે કે મંગળવાર અને બુધવારે સમગ્ર દેશમાં મજૂર સંગઠનો આંદોલન કરશે. લઘુતમ વેતન ૧૮ હજાર કરવા તેમજ અન્ય સુવિધાઓની માગો સાથે દેશભરના હજારો મજૂરો બે દિવસ માટે કામથી દુર રહીને રસ્તા પર ઉતરી પોતાનો રોષ ઠાલવશે. મજૂરો અને કામદારોના આ આંદોલનને દેશના મોટા ખેડૂત સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે અને આંદોલનમાં જોડાવાની ખાતરી આપી છે.
ઓલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી હનન મોલ્લાએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર ગ્રામીણ ભારતની પરિસ્થિતિ સુધારવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, ઉલટા પરિસ્થિતિ વધુ કથળી રહી છે. જેને પગલે ઓલ ઇન્ડિયા કિસાનસભા અને ભૂમિ અધિકાર આંદોલન ગ્રામીણ હડતાળ, રેલ-રોડ રોકો આંદોલનમાં જોડાશે, દેશભરના ટ્રેડ યુનિયનો, મજૂરો-કામદારોને અમારો સંપૂર્ણપણે ટેકો છે. જ્યારે સીઆઇટીયુના જનરલ સેક્રેટરી તપન સેને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રના કર્મચારીઓ, અસંગઠીત સેક્ટરના કામદારો, પોર્ટ અને ડોક વર્કર્સ, બેંક-વિમાના કર્મચારીઓ, કંપનીઓના કર્મચારીઓ દરેક કામદાર અને મજૂર આ આંદોલનમાં જોડાઇ રહ્યા છે.
મોંઘવારી, બેરોજગારી, દરેક કર્મચારી કે મજૂર કે કામદારને લઘુતમ ૧૮ હજાર વેતન સહીતની માગોને ધ્યાનમાં રાખીને આ આંદોલન ચલાવવામાં આવશે તેમ વિવિધ સંગઠનોએ જણાવ્યું હતું. આ સંગઠનોની એક માગ ટ્રેડ યુનિયન સુધારા બિલ પણ છે. જેને કેબિનેટે મંજબર કર્યું છે. આ પગલાનો વિરોધ કરનારા મજૂર સંગઠનોએ જણાવ્યું હતું કે આ બિલથી સરકાર એવા કાયદા લાગી રહી છે કે જેનાથી કોઇ સુધારો થવાનો બદલે કર્મચારીને ગૂલામ બનાવી દેવામાં આવશે. આ દેશમાં દાસ પ્રથા થોપવામાં આવી રહી છે. સાથે આરોપ લગાવ્યો હતો કે રફાલ સોદાથી એચએએલને સંપૂર્ણપણે દુર રાખવામાં આવી. અને આ જ પ્રકારનું પગલું અન્ય સંરક્ષણ સોદામાં સરકાર કરી રહી છે, જેને પગલે એચએએલના કર્મચારીઓને પણ માઠી અસર થઇ રહી છે.