સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ દ્વારા આજરોજ રામ મંદિરના કેસ અંગે સુનાવણીનો પ્રારંભ થયો હતો. જો કે મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા કરાયેલી દલીલને પગલે ચીફ જસ્ટિસે કેસની સુનાવણી હવે નવી બેન્ચ દ્વારા કરવાનો આદેશ આપ્યો છે. રામ મંદિર મામલે હવે 29 જાન્યુઆરીના નવી બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવશે તેમ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના આદેશમાં જણાવ્યું હતું.
રામ મંદિર કેસની સુનાવણીને પગલે કોર્ટરૂમ સવારથી ખચાખચ ભરેલો હતો. મીડિયા અને પક્ષકારો સહિત અન્ય લોકો પણ મહત્વના કેસની સુનાવણી માટે હાજર રહ્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ સહિતના પાંચ જજોની બેન્ચે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું ત્યારબાદ કેસની સુનાવણી શરૂ થઈ હતી. ચીફ જસ્ટિસે આ કેસમાં આજે સુનાવણી માટેની તારીખ નક્કી કરવા માટેનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ પક્ષકાર વતી રજૂ થયેલા વકીલ રાજીવ ધવને કાર્યવાહી પૂર્વે પોતાની દલીલો રજૂ કરી હતી.
રાજીવ ધવને સૌપ્રથમ આ કેસની સુનાવણી ત્રણ જજોની બેન્ચ કરી રહી હતી તો હવે પાંચ જજોની બેન્ચ શા માટે છે તેવો પ્રશ્નો કર્યો હતો. આ ઉપરાંત તેમણે બેન્ચમાં રહેલા જસ્ટિસ યુ યુ લલિતની હાજરી અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ધવને જણાવ્યું હતું કે 1994માં રામ મંદિર કેસમાં કલ્યાણ સિંહ વતી યુ યુ લલિત હાજર રહ્યા હતા. જો કે તેમણે જસ્ટિસ યુ યુ લલિતની બેન્ચમાં હાજરી અંગે કોઈ વાંધો નહીં હોવાનું પણ જણાવ્યું હતું. ચીફ જસ્ટિસે આ કેસમાં જસ્ટિસ યુ યુ લલિતની હાજરીથી મેરિટમાં કોઈ ફેર નહીં પડવાની વાત જણાવી હતી. પરંતુ જસ્ટિસ યુ યુ લલિતે આ કેસમાં બેન્ચમાં રહેવા અંગે ઇન્કાર કરતા નાટ્યાત્મક વણાંક આવ્યો હતો. આ સાથે જ ચીફ જસ્ટિસે નવી બેન્ચ સાથે 29મી જાન્યુઆરીના મળવા માટે આદેશ આપ્યો હતો.