લોકસભાનું સત્ર સમાપ્ત થતાં સુરતના સાંસદ દર્શના જરદોષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે લોકસભામાં દક્ષિણ ગુજરાત સંબંધિત માંગણીઓ અને રજૂઆતો અંગેની કામગીરીનો રિપોર્ટ પત્રકારો સમક્ષ રજૂ કર્યો હતો. પત્રકાર પરિષદમાં બન્ને સાંસદો ઉપરાંત મેયર જગદીશ પટેલ, સુરત ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
સાંસદ સીઆર પાટીલે કહ્યું કે લોકસભામાં 10 ટકા અનામતનું બીલ બે તૃતિયાંશ બહુમતીથી પાસ કરી દેવામાં આવ્યું છે. આ બીલથી જનરલ કેટેગરીના ગરીબ લોકોને ફાયદો મળશે. આઠ લાખ સુધીની આવક ધરાવતા લોકોને લાભ મળવાનો છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં એક હજાર ચો.ફુટ મકાન અને ગ્રામ્ય વિસ્તારમાં બે હજાર ચો.ફુટનું મકાન ધરાવતા લોકોને 10 ટકા અનામતનો લાભ મળવાનો છે. અન્ય કોઈ પણ કેટેગરીમાં ઘટાડો-વધારો કર્યા વિના બંધારણમાં સુધારો કરી અનામત આપવામાં આવી છે. તમામ બિન અનામત જાતિઓની વર્ષો જૂની માંગ હતી હવે આ અનામત મળતાં ઉચ્ચ અભ્યાસ અને નોકરીમાં લાભ મળવાનો છે. આ ઉપરાંત ત્રણ તલાકનું બીલ પણ આ લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યું છે. આ વખતની લોકસભા ખૂબ જ મહત્વની પુરવાર થઈ છે અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
સાંસદોએ પ્રેસ યાદીમાં જણાવ્યું કે સુરત એરપોર્ટ માટે પણ અગત્યના કાર્યો થયા છે. સુરત એરપોર્ટથી 72 ફલાઈટ ઉડાવી શકાય તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ એર કનેક્ટિવિટી મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે પછી 100 ફલાઈટ સુધી જવાના પ્રયાસો છે. સુરતને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાનું સ્વપ્નું સાકાર થશે અને આના માટે 30 તારીખે મહત્વની જાહેરાત થવાની શકયતા પણ તેમણે વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું કે પાંચ ફલાઈટની જગ્યાએ પંદર ફલાઈટ પાર્ક થાય તે માટેના કામને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે તેમજ એરપોર્ટ માટે 353 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે 28મી ફેબ્રુઆરીથી કાર્ગો સર્વિસ પણ શરૂ થઈ જવાની છે. કાર્ગો સર્વિસ શરૂ થતાં ટેક્સટાઈલ ઉદ્યોગને મોટી રાહત મળશે. નવી બિલ્ડીંગ માટે 20 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. નવી બિલ્ડીંગનું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે વડાપ્રધાન નરેદ્ર મોદીની સુરત આવવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.