દેશભરના નોકરી કરતાં લોકો ઓફિસનો સમય પૂર્ણ થયા પછી પણ ફોનમાં વ્યસ્ત રહે છે. ઘર પહોંચ્યા પછી પણ ઓફિસના ફોનમાં વ્યસ્ત કે ઈમેલ કરવામાં વ્યસ્ત લોકોને રહેવું પડે છે. તેના કારણે લોકોના અંગત જીવન પર પણ અસર થાય છે. લોકો નોકરી પછી પણ પરીવાર સાથે શાંતિનો સમય પસાર કરી શકતા નથી. તેવામાં લોકસભામાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ એક પ્રાઇવેટ મેંબર બિલ રજૂ કર્યું છે.
આ બિલ વિશે જાણી અને નોકરી કરતાં લોકો ખુશ થઈ શકે છે. આ બિલ અનુસાર એકવાર જ્યારે નોકરીની કલાકો પૂરી થાય ત્યાર પછી ઓફિસના કોઈ કોલ કે ઈમેલનો જવાબ આપવો જરૂરી નથી. રાઈટ ટૂ ડિસ્કનેક્ટ નામથી આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ રજૂ કરવા પાછળનો ઉદ્દેશ કર્મચારીઓનો સ્ટ્રેસ ઘટાડવાનો છે. તેનાથી કર્મચારીના અંગત જીવનમાં ખલેલ પહોંચે નહીં. મહત્વપૂર્ણ છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ આ બિલને લઈને ચર્ચા છે. ફ્રાંસ, ન્યૂયોર્ક અને જર્મનીમાં પણ આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ 28 ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ અંતર્ગત આઈટી, લેબર અને કોમ્યૂનિકેશનનો સમાવેશ થશે.