સુરતના વરાછામાં બાઈક પાર્ક કરવાના મામલે ટ્રાફીક પોલીસ સાથે થયેલા ધર્ષણ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા સામે પોલીસ ફરીયાદો દાખલ કરવામાં આ હતી. કથીરીયા વિરુદ્વ પોલીસ કામગીરીમાં દખલ કરવાની કુલ પાંચ ફરીયાદ નોંધવામાં આવી હતી.પોલીસ અધિકારીઓ સાથે વિવાદ બાદ સુરત પોલીસે સુરતના રાજદ્રોહ કેસમાં કથીરીયાના જામીન રદ્દ કરવા અરજી કરી હતી.
આ અરજી અંગે આજે સુનાવણી કરવામાં આવી હતી અને બન્ને પક્ષોએ સામ-સામી દલીલ કરી હતી. સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અલ્પેશ કથીરીયાએ સભ્ય સમાજમાં રહીને પોલીસ સાથે તોછડાઈ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કાયદો અને વ્યવસ્થાનો ભંગ કર્યો છે જેથી કરીને જામીન રદ્ કરવાની જરૂર છે.
જ્યારે બચાવપક્ષે કથીરીયાના વકીલ યશવંત વાળાએ દલીલ કરતાં જણાવ્યું કે અલ્પેશ કથીરીયાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તે એક્શનનું રિએક્શન હતું. શું પોલીસને અભદ્ર ભાષા, અપમાનજનક શબ્દો બોલવાની વિશેષ પરવાનગી આપવામાં આવી છે? પોલીસ દ્વારા જે તે ઘટના અંગે ત્વરિત્તાથી ફરીયાદ દાખલ કેમ કરવામાં આવતી નથી? સાડા ત્રણ વર્ષ દરમિયાન અલ્પેશ કથીરીયાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો નથી.
સરકાર અને બચાવ પક્ષે દલીલો સાંભળી હવે કોર્ટ આ અંગે 15મી જાન્યુઆરીએ હુકમ કરે એવી માહિતી મળી રહી છે. અલ્પેશ કથીરીયાના રાજદ્રોહ કેસમાં જામીન રદ્ કરવા માટે પોલીસની અરજી પર કોર્ટના હુકમ પર સૌની મીટ મંડાયેલી રહેશે.