14 જાન્યુઆરી એટલે કે સોમવારે ઉત્તરાયણનો તહેવાર છે. લોકોમાં આ તહેવારને લઇને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં શનિવારથી સતત 4 દિવસની રજાના માહોલમાં લોકોના ઉત્સાહમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે આ વર્ષે ઉત્તરાયણના દિવસે પવન ફૂંકાશે કે નહીં તે માટે હવામાન વિભાગે મોટો ખુલાસો કર્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની નીચે જતા પતંગ ચગાવતી વખતે તકલીફો પડે છે. પરંતુ આ વર્ષે તા. 14મી જાન્યુઆરીના રોજ તા. 20થી 25 કિમીની ઝડપે ફુંકાશે. જેના કારણે પતંગ રસિયાઓએ ઠુમકા મારવા પડશે નહીં. તેમજ આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના પર્વના દિવસે ગામ, શહેર અને રાજ્યના તમામ લોકો એકસાથે પોતાના મકાનની છત ઉપર આવી જતાં હોય છે. લપેટ કાપ્યોના શોરથી ગગન આખું ગૂંજી ઉઠતું હોય છે. ત્યારે આ વખત પવન સારો ફૂંકાવવાની આગાહી વચ્ચે લોકો વધારે પતંગ ચગાવવાની મજા માણી શકશે.