ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ પર્વની ઉજવણી કરી હતી. અમિત શાહે અમદાવાદમાં પતંગ પર્વ નિમિત્તે ભાજપના કાર્યકરો, પરિવારજનો અને મિત્ર વર્તુળ સાથે પતંગ પર્વની મજા માણી હતી જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ અને રાજકોટ અેમ બે જગ્યાએ પતંગ પર્વમાં હાજરી આપી ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
અમિત શાહે અમદાવાદના નવા વાડજ ખાતે મકાનનાં ધાબા પર પહોંચીને પતંગ ઉડાડવાની મજા લીધી હતી. આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી વગેરે હાજર રહ્યા હતા. વાઘાણીએ અમિત શાહની ફિરકી પકડી હતી. આ ફિરકીની સંભાળ બહુ સૂચક બની રહે તેમ છે.
અમદાવાદમાં પતંગ પર્વની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુપીમાં સપા-બસપા ગઠબંધન અંગે ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે આજના પતંગ પર્વે એટલી જ ઈચ્છા છે કે પતંગની દોરી સાથે તમામ ગઠબંધનની ગાંઠ પણ તૂટી જશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય મીનમેખ છે અને વિપક્ષો ભાર દોરીએ કપાઈ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પતંગ ઉડાડવાનો લહાવો લીધો હતો.