સુરતમાં પોલીસને ગાળો આપ્યા બાદ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ સુરત પોલીસે જ અલ્પેશના જામીન રદ્દ કરવાની અરજી કરી હતી, જેને સુરત કોર્ટે માન્ય રાખી અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ કર્યા છે, ત્યારે અલ્પેશના જામીન પર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે અમે એક-બે દિવસમાં જ હોઇકોર્ટમાં અરજી કરીશું.
હાર્દિકે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે જે પ્રકારે સુરત કોર્ટે ચૂકાદો આપ્યો છે કે અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ કરવામાં આવે છે, અમે આ ચૂકાદાને આવકારીએ છીએ. આગામી દિવસોમાં અલ્પેશને કાયમી જામીન મળી જાય તે માટે અમે સારામાં સારા વકીલ રાખવાનો પ્રયાસ કરીશું. કોર્ટે ઉપલી કોર્ટમાં જવા માટે 15 દિવસનો સમય આપ્યો છે, પરંતુ અલ્પેશને જેલમાં ન જવું પડે તે માટે અમે ટૂંક સમયમાં જ હાઇકોર્ટમાં અરજી કરીશું.
પત્રકાર પરિષદમાં પોલીસને ગાળો આપવી અલ્પેશની ભૂલ છે કે કેમ તેના જવાબમાં હાર્દિકે કહ્યું કે સુરતમાં જે કાઇ પણ ઘટના બની તેમાં કદાચ અલ્પેશની પણ ભૂલ હશે અને ના પણ હોઇ શકે. પોલીસ તરફથી પણ બેફામ ગાળો બોલવામાં આવે જ છે. અમારા જેવા આંદોલનકારીઓ દ્વારા પોલીસના એક્શનના જવાબમાં રિએક્શન આવી જતું હોય છે.