સેલવાસમાં દાદરા વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની આગમાં સ્વાહા થઈ ગઈ હતી. 6 કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જોકે, ત્યાં સુધીમાં કંપનીની અંદરની મશીનરી અને માલસામાન બળીને રાખ થઇ ગયો હતો.
દાદરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી રિસવ પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બને છે. મળસ્કે 5 વાગ્યે કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતાં જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. કંપનીના સંચાલકો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. સેલવાસ અને વાપીની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સતત 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ તો મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બધુ બળીને રાખ થઈ ગયું હતું. પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. કંપનીના સંચાલકોનું કહેવું હતું કે, આગ શોર્ટસર્કિટના કારણે લાગી હતી. અલબત્ત, હજુ ફાયર બ્રિગેડે આગનું કારણ દર્શાવ્યુ નથી. આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહતી.