હજુ તો સુરત એરપોર્ટને વડાપ્રધાન મોદી ઈન્ટરનેશલ એરપોર્ટનો દરજ્જો આપવા જઈ રહ્યા છે ત્યારે સુરત એરપોર્ટનો જોઈન્ટ જનરલ મેનેજર લાંચકાંડમાં ઝડપાઈ જવા પામ્યો છે. એરપોર્ટના જનરલ મેનેજરને સૂરત એન્ટી કરપ્શન બ્યૂરોએ લાંચ લેત રંગહાથે પકડી પાડતા ભારે ચકચાર મચી જવા પામી છે.
વિગતો મુજબ એક વર્ષ પહેલાં સુરત એરપોર્ટ ઓથોરિટીમાં જોઈન્ટ મેનેજર તરીકે ટ્રાન્સફર થઈને આવેલા રાધા રમણ ગુપ્તા ઉર્ફે આર.આર.ગુપ્તાને સુરત એરપોર્ટના વિસ્તરણની કામગીરી સુપ્રત કરવામાં આવી હતી. એરપોર્ટ વિસ્તરણની સાથે રાધા રમણ ગુપ્તા દ્વારા કાળી કમાણી કરવામાં આવી રહી હતી. જોઈન્ટ મેનેજ ગુપ્તા વિરુદ્વ ભ્રષ્ટાચારની ચર્ચા ચાલી રહી હતી પરંતુ નક્કર પુરાવાના અભાવે કાર્યવાહી થવામાં વિલંબ થઈ રહ્યો હતો.
સુરત એલસીબી પાસે લાંચ લેવા અંગેની ફરીયાદ આવતા એસીબીની ટીમ સક્રીય થઈ ગઈ હતી અને લાંચ પ્રકરણમાં છટકું ગોઠવ્યું હતું. એસીબીની ટ્રેપમાં જોઈન્ટ મેનેજર ગુપ્તા 30 હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એરપોર્ટ વિસ્તરણની કામગીરી કરતા કોન્ટ્રકટરે ફરીયાદ કરતા એસીબીના પીઆઈ બી.કે.વનારની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. એસીબીની ટ્રેપમાં જોઈન્ટ મેનેજર ગુપ્તા સપડાઈ જતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વિગતો મુજબ જોઈન્ટ મેનેજર ગુપ્તાનો પગાર આશરે દોઢ લાખ રૂપિયાથી લઈને પોણા બે લાખ રૂપિયા સુધીનો છે. મોટો કદનો પગારદાર હોવા છતાં ગુપ્તા દ્વારા લાંચ લેવામાં આવતા એરપોર્ટના કર્મચારીઓમાં પણ સોપો પડી જવા પામ્યો છે. એસીબીના પીઆઈ વનાર અને એસીપી એનપી ગોહીલ દ્વારા સપાટો બોલાવવામાં આવતા ગુપ્તાની લાંચની ગુપ્તતા પરથી પડદો ઉઠી ગયો છે.