પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા મામલે બાબા ગુરમીત રામ રહીમ અને અન્ય ત્રણ દોષીતોને પંચકુલાની વીશેષ સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત તેમના પર ૫૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ૧૭ વર્ષથી ન્યાયની લડાઇ લડી રહેલા પત્રકાર રામચંદ્રના પરિવારમાં આખરે ખુશી જોવા મળી હતી. રામચંદ્ર છત્રપતિ એ જ પત્રકાર છે કે જેઓ દુનિયાની સામે રામ રહીમના કાળા કામ બહાર લાવ્યા હતા. આ સાથે જ કોર્ટે રામ રહીમને વધુ એક ઝટકો આપ્યો છે અને આદેશ આપ્યો છે કે રામ રહીમ હાલ બળાત્કારના કેસમાં જે ૨૦ વર્ષની સજા કાપી રહ્યો છે તે બાદ આ હત્યા કેસમાં તેની સજા શરૃ થશે. એટલે કે રામ રહીમ ૭૦ વર્ષનો થશે ત્યારે આ સજા શરૃ થશે. તેથી રામ રહીમના બાકીના વર્ષ પણ જેલમાં જ વીતશે.
સજા સંભળાવવામાં આવી ત્યારે રામ રહીમને જજે પૂછ્યું હતું કે શું તમે કઇ કહેવા માગો છો તો જવાબમાં રામ રહીમે કહ્યું કે મારા જજ જે કહેશે તે જ મારુ પણ કહેવાનું થાય છે તેમ સમજવું. આશરે દોઢ કલાક સુધી આ કેસની સુનાવણી ચાલી હતી જે બાદ જજે આદેશને સુરક્ષીત રાખ્યો હતો. અને બાદમાં થોડા સમય બાદ અંતે સજા સંભળાવી દેવામાં આવી હતી. સીબીઆઇએ રામ રહીમને પત્રકાર હત્યાકાંડમાં ફાંસીની સજાની માગણી કરી હતી. દરેક દોષીતોેને આ કેસનો આદેશ વીડિયો કોન્ફરન્સની સંભળાવવામાં આવ્યો હતો. સજા પામનારાઓમાં રામ રહીમ ઉપરાંત કૃષ્ણલાલ,નિર્મલ સિંઘ, કુલદીપ સિંઘના નામ પણ સામેલ છે. વિશેષ સીબીઆઇ કોર્ટના જજ જગદીપસિંહે આ સજા સંભળાવી હતી. ૧૧ જાન્યુઆરીએ આ કેસમાં આરોપીઓને દોષીત જાહેર કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૦૨માં રામ રહીમ અને તેના મેનેજરે હત્યાનું કાવતરંુ ઘડયું હતું જ્યારે ડેરા સમર્થક નિર્મલ અને કુલદીપે રામચંદ્ર છત્રપતિને ગોળી મારી હતી. રામચંત્ર સતત પોતાના સમાચારપત્રમાં ડેરામાં જે પાપલીલા ચાલતી હતી તેના વિશે લખતા હતા. રામચંદ્રના પરિવારે આ મામલે ૨૦૦૩માં રામ રહીમ સહીતના આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ૨૦૦૭માં સીબીઆઇએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને રામ રહીમને હત્યાનું કાવતરુ ઘડવા માટે દોષીત માન્યો હતો. આ પહેલા રામ રહિમને બળાત્કારના બે કેસમાં ૧૦-૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેથી ૨૦ વર્ષ સુધી રામ રહિમને જેલની સજા થઇ હતી, જે પુરી થાય ત્યારે રામ રહીમની ઉંમર ૭૦ વર્ષની હશે. જે બાદ તેને હાલ હત્યાના કેસમાં જે સજા થઇ તે શરૃ થશે. તેથી હવે બાકીનું જીવન રામ રહીમે જેલમાં જ વિતાવવું પડશે.