નયા ભારતનું શમણું સાકાર કરવાની નેમ સાથે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ કર્યો હતો. પ્રધાન મંત્રી મોદીએ સમિટનો શુભારંભ કરતાં કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ હવે સાચા અર્થમાં વૈશ્વિક ફોરમમાં પરિવર્તિત થઇ ગઇ છે. આ સમિટ પરિણામદાયી, ફળદાયી અને આનંદદાયી બની રહે એવી શુભકામનાઓ સાથે તેમણે કહ્યું કે, ભારતની હવામાં જ પરિવર્તનની અનુભૂતિ થાય છે. અહીં ઓછા શાસન અને મહત્તમ સંચાલન (મીનીમમ ગવર્નમેન્ટ મેકસીમમ ગવર્નન્સ)માં અમે માનીએ છીએ. તેમણે કહ્યું કે, ગવર્નમેન્ટ એટલે રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને પુનઃપરફોર્મ. ભારત આજે સૌથી વધુ તેજ ગતિએ વિકાસ પામતા અર્થતંત્રનો દેશ બન્યું છે. ભારતના વિકાસની દિશા વધુ સ્પષ્ટ અને ગતિ વધુ તીવ્ર બની છે. તેમણે કહ્યું કે, વિશ્વના વિવિધ દેશોના વડાઓ અને નીતિ નિર્ધારકોની ઉપસ્થિતિથી ગર્વની અનુભૂતિ થાય છે.
ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, મોરોક્કો, નોર્વે, પેલેન્ડ, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, થાઇલેન્ડ, નેધરલેન્ડ, યુ.એ.અઇ. અને ઉઝબેકીસ્તાન. આ 15 પાર્ટનર દેશોના વડા અને 11 પાર્ટનર સંગઠનો પ્રતિ આભારની લાગણી વ્યકત કરતાં પ્રધાન મંત્રી મોદીએ જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય સહકારની ભાવના સાથે યોજાતી આવી આંતરરાષ્ટ્રીય સમિટ હવે માત્ર રાષ્ટ્રની રાજધાની પુરતા મર્યાદિત રહ્યા નથી, તેનો લાભ રાજ્યોને પણ મળી રહ્યો છે. ભારતના 8 રાજ્યો આ સમિટમાં સહભાગી થઇને પોતાના રાજ્યોમાં પણ વેપાર-વાણિજ્યની સંભાવના વધે તે હેતુથી આ ફોરમનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત વ્યાપાર-વિકાસ માટે આ પૂર્વે કયારેય નો’તું એટલું સજ્જ અને સુસજ્જ છે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાન મંત્રી મોદીએ વાયબ્રન્ટ સમિટની નવમી શ્રૃંખલાને પૂર્ણરૂપે વૈશ્વિક સમીટ ગણાવી જણાવ્યું હતું કે, આ સમિટ માત્ર ગુજરાતની જ નહીં ભારત દેશ માટે ‘‘ટ્રાન્સફોર્મેશન જર્ની’’ છે. આ સમિટ માત્ર ભારતીયો માટે જ નહીં વિશ્વ સમુદાયના વિકાસનું ચિંતન છે એટલે જ અમારી સાથે આ સમિટમાં 15 જેટલા પાર્ટનર કન્ટ્રીઝ અને ૧૧ જેટલા વિશ્વભરના પાર્ટનર ઓર્ગેનાઇઝેશન જોડાયા છે. તેમણે આ સમિટ ઉદ્યોગ સાહસિકોમાં વિશ્વાસ નિર્માણનું અને સરકારી તંત્રમાં ક્ષમતા નિર્માણનું માધ્યમ બની રહી હોવાનું જણાવ્યું હતું.
ભારત જેવા વિકાસશીલ દેશો માટે વિકાસ પ્રક્રિયા સામેના પડકારોને જાણવા જરૂરી હોવાનું જણાવતા પ્રધાન મંત્રી મોદીએ ઉર્દવ પડકારોમાં પ્રાદેશિક વિકાસ, વંચિતોનો વિકાસ જેવી સમસ્યા અને સમક્ષિતિજ પડકારોમાં ગુણવત્તાલક્ષી જીવન, સેવા ક્ષેત્ર, આંતરમાળખાકીય સુવિધાનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ પડકારોનો ઉકેલ વિકાસ સાથે જોડાયેલો છે એટલે જ દેશની સિદ્ધિ સીધી માનવ વિકાસને જ સ્પર્શે છે.
ભારત દેશ હવે વેપાર-ઉદ્યોગ માટે પહેલાં ન હતો એટલેા સક્ષમ દેશ બન્યો છે, વિશ્વ બેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના માપદંડોમાં ભારતે 65 ક્રમનો કૂદકો લગાવી પ્રગતિ કરી છે. આપણે વિશ્વના પ્રથમ પચાસ દેશમાં પહોંચવા સખત પુરૂષાર્થ કરવાનો છે. દેશભરમાં જીએસટીના માધ્યમથી સમાન કરવેરા, વેરા સરળીકરણ અને ડીજીલાઇઝેશનને કારણે 90 ટકા મંજૂરીઓ સ્વયંસંચાલિત થઇ ગઇ છે. વેપાર પ્રક્રિયા સરળ અને ઝડપી બની છે.
વૈશ્વિક સમુદાય હવે ભારત તરફ નજર માંડી રહ્યો છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ હાલ 263 બિલીયન અમેરિકી ડોલર્સે પહોંચ્યું છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારના બિઝનેસ ફ્રેન્ડલી પ્રયાસોના કારણે જ છેલ્લા 18 વર્ષમાં કુલ રોકાણના 45 ટકા વિદેશી મૂડીરોકાણ આપણે મેળવી શકયા છીએ. સરકારે વિકાસ પ્રક્રિયાને ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે જોડી છે જેના કારણે સરકારના લાભો હવે સીધા લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે. આજે ભારતની વિશ્વના પ્રથમ દશ એફડીઆઇ ડેસ્ટીનેશનમાં ગણતરી થઇ રહી છે.
વિકાસ માટે અમે મેન્યુફેકચરીંગ અને માળખાકીય સુવિધાના નિર્માણ ઉપર વધુ મહત્વ આપ્યું છે તેનું કારણ દર્શાવતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મેન્યુફેકચરીંગ સેકટર વિશાળ માત્રામાં રોજગારનું સર્જન કરે છે. જયારે આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં મેઇક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો સહયોગી બની રહ્યા છે. અમારી આ દીર્ઘદ્રષ્ટિના કારણે જ ભારત આજે ગ્લોબલ મેન્યુફેકચરીંગ હબ બની રહ્યું છે.
અમારો ઔદ્યોગિક વિકાસ કેટલાક માપદંડો પ્રસ્થાપિત કરે છે તેમ જણાવી પીએમ મોદીએ ભારતની ઔદ્યોગિક વિચારધારાને વર્ણવતાં જણાવ્યું હતું કે, અમે કલીનર એનર્જી અને ગ્રીનર ડેવલપમેન્ટ તેમજ ઝીરો ડિફેકટ, ઝીરો ઇફેકટમાં માનીએ છીએ. જે કલાઇમેંટ ચેન્જની આજની સમસ્યાનો ઉકેલ છે. ભારતે વિશ્વ પર્યાવરણની ચિંતા કરી છે એટલે જ પુન:પ્રાપ્ત ઊર્જા ઉત્પાદન ઉપર વધુ ઝોક આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશ પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પન્ન કરનારો વિશ્વનો સૌથી મોટો એવો પાંચમો દેશ છે, પવન ઊર્જાના ઉત્પાદનમાં ચોથો અને સૌથી વધુ સૌર ઊર્જા ઉત્પાદનમાં વિશ્વભરમાં પાંચમો દેશ બની રહ્યો છે. દેશભરમાં રોડ-પોર્ટ-એરપોર્ટ, રેલવે, ટેલિકોમ ડીઝીટલ નેટવર્ક, ઊર્જા ઉત્પાદન, સામાજિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ, કૃષિ વિકાસ, માળખાકીય વિકાસથી માંડીને ગુણવત્તાલક્ષી જીવન નિર્માણના ક્ષેત્રોમાં મૂડીરોકાણની અમાપ તકો રહેલી છે. ભારત આજે વીજળીની નિકાસ કરતો દેશ બન્યો છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, એલઇડી બલ્બનો વપરાશ, પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહનને કારણે આ શકય બન્યું છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અમે દેશભરમાં રોડ-રસ્તા નિર્માણની ઝડપ બમણી કરી છે. મુખ્ય પાકોનું ઉત્પાદન કૃષિ વિકાસને કારણે વધી રહ્યું છે. દેશભરમાં 90 ટકા ગામડાંને રસ્તાનું જોડાણ મળી ગયું છે. ભારતે રેલવે લાઇનના ગેજ પરિવર્તનની ઝડપ બમણી કરી છે. રેલવે ટ્રેકના વીજળીકરણની ઝડપ બમણી કરી છે. પબ્લીક-પ્રાઇવેટ-પાર્ટનરશીપ ધોરણે રસ્તા, ઓવરબ્રીજ જેવી માળખાકીય સુવિધાઓનું નિર્માણ અત્યંત ઝડપથી આગળ ધપી રહ્યું છે.
ચારેબાજુ વિકાસ, પ્રત્યેક સેકટરમાં બદલવાને કારણે દશેનો કુલ ઘરેલું ઉત્પાદનનો વૃદ્ધિ દર સરેરાશ 7.3 ટકા રહ્યો છે જે 1991થી કોઇપણ સરકારના કાર્યકાળ કરતાં વધુ છે. એ જ રીતે વર્ષ 1991થી અત્યાર સુધીમાં 4.6 ટકા જેટલો નીચો સરેરાશ ફુગાવાનો દર રહ્યો છે. ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન નૂતન ભારતના નિર્માણની દિશામાં અનેકવિધ કાર્યો થઇ રહ્યા છે તેની વાત કરતાં પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત હવે ‘‘ મોડર્ન અને કોમ્પીટીટીવ’’ બન્યું છે. દેશમાં મેડિકલ સર્વિસ એશ્યોરન્સ સ્કીમ –આયુષ્યમાન ભારતનો 50 કરોડ લોકો લાભ લઇ રહ્યા છે. તબીબી સુવિધા, તબીબી સાધનોનું ઉત્પાદન, હેલ્થકેર દેશના 15 શહેરો મેટ્રો રોલનું નિર્માણ કરી રહ્યા છે, દેશભરમાં પાંચ કરોડ એફોર્ટેબલ હાઉસનું નિર્માણ થઇ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં અવિરત વિકાસ થઇ રહ્યો છે ત્યારે ભારત દેશમાં વિકાસની અમાપ તકો છે. અમે રોકાણકારોના રોકાણને વ્યર્થ નહીં જવા દઇએ, એવું ભારપૂર્વક જણાવતાં પ્રધાન મંત્રીએ ભારતની મજબૂત ઘરેલું વહીવટી પ્રણાલી, માનવીય મૂલ્યો અને સબળ ન્યાય પ્રણાલીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વૈશ્વિક રોકાણકારોને સતત વિકાસ દ્વારા બદલાવ માટે સજ્જ થતાં ‘‘નયા ભારત’’ના નિર્માણમાં સહયોગી થવા અપીલ કરતાં પ્રધાન મંત્રીએ જણાવ્યું હતું કે, તમે ભારતમાં આવો તમે લંબાવેલા રોકાણ માટેના હાથને સાથ આપવા ભારત હંમેશા તૈયાર છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટની નવમી કડીમાં સૌને આવકારતાં કહ્યું હતું કે, વાયબ્રન્ટ સમિટમાં વિવિધ રાષ્ટ્રોની વિશાળ ઉપસ્થિતિ વિશ્વના દેશોનો ગુજરાત અને ભારતના વિકાસમાં રહેલો વિશ્વાસ પ્રતિપાદિત કરે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરેલી વાયબ્રન્ટની આ શ્રૃંખલા આજે નવમા તબક્કામાં માત્ર વેપાર-ઉદ્યોગ-વણજ માટે જ નહીં પરંતુ સોશિયલ સેકટર સહિત કલ્ચરલ એકસચેંજ અને પીપલ ટૂપીયલ કનેકટ થવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઇ છે.
મુખ્ય મંત્રીએ આ સમિટને ફ્યુઝન ઓફ બિઝનેસ વીથ કલ્ચસર ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘ગુજરાત ઇઝ નોટ અ ગર્વમેન્ટ, બટ વી આર કેટલિસ્ટ ફોર સકસેસ’. વિશ્વના આ સમીટમાં સહભાગી રાષ્ટ્રો અને રાજ્યો માટે વિશ્વ વિકાસના આપસી આદાન-પ્રદાન અવસરો તલાશવાનું ગુજરાત સક્ષમ માધ્યમ બની ઉભરી આવ્યું છે.
તેમણે આ સમિટમાં સહભાગી સૌ રાષ્ટ્રોના વડાઓ અને ડેલિગેશન્સને સમિટ તેમના માટે સફળતાનો પથ બને તેવી શુભેચ્છાઓ પાઠવી આવકાર્યા હતા.