પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કડીમાં ચેતવણી ભર્યો સંદેશ: “જ્યાં સુધી હું છું, ખોટું નહીં થવા દઉં”
Nitin Patel speech Kadi: કડી શહેરમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ફરી એકવાર પોતાના અનોખા અંદાજમાં ચર્ચામાં આવ્યા છે. રાજકીય મંચ પરથી બોલતાં નીતિનભાઈએ સીધુ કોઈનું નામ લીધું નહીં, પરંતુ તેમના શબ્દો રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, ધારાસભ્યો અને મંત્રીઓ પર સ્પષ્ટ ઈશારા કરતા જણાયા હતા. નીતિનભાઈએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “ઘણા મંત્રીઓને રાજીનામાં આપવા પડ્યા છે, એ ખોટું કર્યું કે નહીં એ મને ખબર નથી. પણ આજુબાજુમાં રહેનારાઓ ખોટું કરે તો પણ મંત્રીપદ જાય છે. ઘરના સભ્યો ખોટું કરે તો પણ પદ છીનવાઈ જાય છે.” એમ કહી તેમણે હાલની વ્યવસ્થાની પરોક્ષ રીતે ટીકા કરી હતી.

કાર્યક્રમમાં ઉમટી પડેલા કાર્યકરો સામે નીતિનભાઈએ પોતાનો જૂનો આત્મવિશ્વાસી અંદાજ ફરી બતાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું — “હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. કડીમાં જ્યાં સુધી હું છું ત્યાં સુધી ખોટું થવા નહીં દઉં.” તેમણે કડીમાં પોતે કરેલા અનેક વિકાસકાર્યોની યાદ અપાવી હતી અને કહ્યું કે કડીના દરેક ખૂણામાં શું થઈ રહ્યું છે એની તેમને પૂરી જાણકારી છે.
પૂર્વ ઉપમુખમંત્રી એ વધુમાં ઉમેર્યું કે, “ધારાસભ્ય બહારગામના છે, પણ હું બહારગામનો નથી. હું કડીને પચાસ વર્ષથી ઓળખું છું. કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે, એ મને ખબર છે.” આ નિવેદનથી સ્પષ્ટ હતું કે તેઓ કડીના સ્થાનિક રાજકારણમાં ચાલી રહેલી ગતિવિધિઓથી અસંતુષ્ટ છે.

તેમણે વધુમાં કહ્યું કે, “હોદ્દાથી કશું થતું નથી, વ્યક્તિથી થાય છે.” એમ કહી તેમણે પોતાનું રાજકીય વજન અને અનુભવ જણાવી દીધો હતો. નીતિનભાઈએ કાર્યકરોને ચેતવણી આપતા કહ્યું કે, “મને છેતરતા નહીં, એમને છેતરજો.” આ સાથે તેમણે ગ્રાન્ટ અને ભ્રષ્ટાચાર અંગે પણ ઈશારો કરતાં કહ્યું કે, “હવે એટલી ગ્રાન્ટ આવે છે કે ક્યાં વાપરવી એ સભ્યોને ખબર નથી. સાચું કામ કરો તો સારું, નહીં તો ક્યાં જતું રહે એ ભગવાન જાણે.”
તેમના આ ચાબખાભર્યા નિવેદનોને પગલે કડી સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાનો માહોલ સર્જાયો છે.

