રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે લિકર શોપના માલિકોને રાત્રે આઠ પછી દારૂનું વેચાણ નહીં કરવા માટે કડક આદેશ આપ્યો છે. સરકારે સખત શબ્દોમાં જણાવ્યું છે કે, ‘જો રાત્રે 8 કલાક બાદ કોઈપણ દારૂનું વેચાણ કરતો પકડાશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી થશે. સરકાર દ્વારા આવા લિકર શોપની સીલ કરી દેવાશે તેમજ તેમનું લાયસન્સ પણ રદ કરવાના પગલાં લેવાશે.’ મુખ્યમંત્રી ગેહલોતે રાજ્યના એક્સાઈઝ વિભાગના અધિકારીઓને આ માટે આદેશ આપ્યો છે.
શનિવારે રાજસ્થાન સરકારે આ અંગેનો એક આદેશ જાહેર કર્યો હતો જેમાં અધિકારીઓને રાજ્યમાં લાયસન્સ ધરાવતી દુકાનો પરથી રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં કરવા દેવા જણાવ્યું હતું. ગેહલોતે એક્સાઈઝ વિભાગને આદેશ કરતા કહ્યું કે, ‘નિર્ધારિત સમય બાદ જો કોઈ દુકાનદાર દારૂનું વેચાણ કરતા ઝડપાશે તો તેની દુકાનને સીલ કરી લાયસન્સ રદ કરવાની કામગીરી કરવી.’
વરિષ્ઠ અધિકારીઓની એક બેઠકમાં સીએમ ગેહલોતે જણાવ્યું કે, ‘2008માં દારૂના વેચાણ માટે અમે આ જ પ્રકારની નીતિ લાવ્યા હતા જેનાથી સમાજમાં સકારાત્મક સંદેશ ગયો હતો.’ આ બેઠકમાં કેટલાક દુકાન માલિકો દારૂની છાપેલી કિંમત કરતા વધુ ભાવ વસૂલતા હોવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ગેહલોતે અધિકારીઓને આ અંગે પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.