કેન્દ્ર સરકારે 10 ટકા EBC દેશભરમાં લાગુ કર્યા બાદ હવે OBCમાં અલગથી અનામતની માંગ ગુજરાતમાં ઉઠી છે. OBCમાં અલગથી 15 ટકા અનામત આપવા ઠાકોર સેનાએ માગ કરી છે. આ મામલે ઠાકોર સેના દ્વારા ગાંધીનગરમાં ધરણા કરવામાં આવશે. ઠાકોર સેનાએ જનસંખ્યાના પ્રમાણમાં અનામત આપવાની માંગ કરી છે. આ મામલે ગાંધીનગરમાં 23 અને 24 જાન્યુઆરીએ ઠાકોર સેનાના કાર્યકરો ધરણા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોરસેનાના કાર્યકરો અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર વચ્ચેનો વિવાદ હવે જગજાહેર થઈ ગયો છે. આવામાં અલ્પેશ ઠાકોરને સાઈડ કરીને ઠાકોર સેના પોતાના હક માટે નવી રીતે આંદોલન ચલાવવાના મૂડમાં છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર સામે હવે ઠાકોર સમાજમાં જ નારાજગી પ્રવર્તી રહી છે અને આ નારાજગી આજે સપાટીએ આવી ગઈ છે. સાબરકાંઠાની ઢુંઢર ગામની બાળકી પર દુષ્કર્મ કેસ બાદ ઠાકોર સમાજના યુવાનોએ વિરોધ નોંધાવતા તેમની વિરુદ્ધ જે કાર્યવાહી થઈ છે. તેને લઈને ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે. યુવા ક્ષત્રિય સેનાનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીત બારડે આ મામલે જણાવ્યું કે જે પણ યુવાનોની ધરપકડ થઈ અને ખોટા કેસ કરવામાં આવ્યા તેમાંથી એક પણ પરિવાર સાથે અલ્પેશ ઠાકોરે અત્યાર સુધી મુલાકાત લીધી નથી કે ન તો કોઈના પરિવારને મદદ કરી છે. અલ્પેશ ઠાકોરે સમાજની મદદ કરવી જોઈએ અને જો તે આમ ન કરી શકતા હોય તો આગામી સમયમાં સમાજ તેમને જાકારો પણ આપી શકે છે.
એક બાજુ અલ્પેશ ઠાકોર સામે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે બીજી બાજુ અલ્પેશ ઠાકોરે પોતાની એકતા યાત્રા શરૂ કરી છે. એકતા યાત્રાનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે એકતા યાત્રા પાલનપુરના પારપડા ગામથી શરૂ થઈ હતી. આ દરમિયાન વિવિધ સંગઠનો દ્વારા એકતા યાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગરીબ લોકોને જાગૃત કરવા માટે એકતા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. પ્રેમ અને સદ્ભાવનાના સંદેશા માટે એકતા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ યાત્રા 12 દિવસ સુધી અલગ અલગ જિલ્લાઓમાં ફરશે ત્યાર બાદ ગાંધીનગરમાં યાત્રાનુ સમાપન થશે.