જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા ન હો અને તેમ છતાં તમે ટ્રાન્ઝેક્શન કર્યા હોય તો ઇન્કમટેક્સ વિભાગ તમને ટૂંક સમયમાં ઇ-મેલ કે એસએમએસ દ્વારા નોટિસ ફટકારશે.
સીબીડીટીએ એક એવી મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરી છે જેમાં એવા લોકોની ઓળખ કરવામાં આવી છે કે જેમની આવક ટેક્સના દાયરામાં આવતી હોવા છતાં તેમણે ઇન્કમટેક્સ રિટર્ન ભર્યાં ન હોય. ઇન્કમટેક્સ વિભાગ આવા લોકોને પહેલા એક નોટિસ મોકલશે અને રિટર્ન જમા કરવા અથવા જવાબ આપવા કે ખુલાસો કરવા માટે ૨૧ દિવસનો સમય આપશે.
જો તમે ૨૧ દિવસની અંદર જવાબ નહીં આપો અથવા ટેક્સ નહીં ભરો કે રિટર્ન ફાઇલ નહીં કરો તો તમારા વિરુદ્ધ નિર્ધારિત નિયમ અનુસાર કાર્યવાહી કરાશે. એટલું જ નહીં ખોટી માહિતી આપનાર અને ટેક્સ નહીં ભરનાર પર ઇન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ની જોગવાઇ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
નાણાં મંત્રાલયનું કહેવું છે કે ઇન્કમટેક્સ વિભાગ આવા લોકો પર પોતાની ખાસ તૈયાર કરેલી મોનિટરિંગ સિસ્ટમ દ્વારા નજર રાખી રહ્યો છે. ઇન્કમટેક્સ વિભાગે ૨૦૧૮-૧૯માં ટેક્સ રિટર્ન નહીં ભરનારા આવા લોકોની એક યાદી તૈયાર કરી છે કે જેમની પાસે ટેક્સની વસૂલાત નીકળે છે, જોકે ઇન્કમટેક્સ વિભાગે આવા લોકોની સંખ્યા કેટલી છે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરી નથી.
ઇન્સમટેક્સ વિભાગે જે મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરી છે તેનું નામ નોન ફિલર મોનિટરિંગ સિસ્ટમ એવું રાખવામાં આવ્યું છે, જે સામાન્ય લોકોના બેન્ક ખાતાથી લઇને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની દરેક વિગત પર નજર રાખે છે. આ ઉપરાંત ઇન્કમટેક્સ વિભાગે ટેક્સ રિટર્ન ભરવા માટે ઓનલાઇન વેરિફિકેશન પણ શરૂ કર્યું છે, જેના દ્વારા એ જાણી શકાશે કે કરદાતાએ કેટલો ટેક્સ ભરવાનો થાય છે.