લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મહાસચિવના પદ પર પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર વડાપ્રધાન મોદીએ આડકતરી રીતે પોતાની પ્રતિક્રિયા આપી છે. મેરા બૂથ, સબસે મજબૂત હેઠળ વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે તેમણે કહ્યું કે, કેટલાક લોકો માટે પરિવાર જ પાર્ટી છે, જ્યારે અમારે ત્યાં પાર્ટી જ પરીવાર છે.
તેમણે કહ્યું કે, દેશના અન્ય કેટલાક રાજકિય દળો કોંગ્રેસ ગોત્રના છે. તેથી જ્યારે અમે કોંગ્રેસ મુક્ત દેશની વાત કરીએ છીએ ત્યારે અમારો વિરોધ તે સંસ્કૃતીથી જ છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ દ્વારા NCP પ્રમુખ શરદ પવારનું અપમાન કરવાની ટીકા કરી.
વડાપ્રધાને કહ્યું કે, શરદ પવારનો એક જ દોષ હતો કે તેઓ ક્યારેક કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માંગતા હતા. કોંગ્રેસમાં એક પરીવારનો વિરોધ ગુન્હો છે. આજે તે જ શરદ પવાર કોંગ્રેસ સાથે જોડાય ગયા છે.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી મેરા બૂથ, સબસે મજબૂત અભિયાન હેઠળ મહારાષ્ટ્રના બારામતી, ગઢચિરૌલી, હિંગોલી, નાંદેડ અને નંદુરબારના બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે આ વાત કરી અને મહારાષ્ટ્રનું બારામતી NCP પ્રમુખ શરદ પવારનો ગઢ રહ્યું છે.