કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીનું મંગળવારે અમેરિકાના ન્યૂયોર્કમાં ઓપરેશન થયું છે. ત્યારબાદ જેટલીને બે અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ત્યાં સુધી અરૂણ જેટલી પાસેથી નાણામંત્રીની જવાબદારી લઇ લેવામાં આવી છે અને રેલમંત્રી પીયૂષ ગોયલને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આશા સેવવામાં આવી રહી છે કે પીયૂષ ગોયલ જ મોદી સરકારના કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે.
66 વર્ષીય અરૂણ જેટલી 13 જાન્યુઆરીએ અમેરિકા ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ અઠવાડિયામાં તેમના ‘સોફ્ટ ટિશ્યૂ’ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. જો કે, તે દરમિયાન પણ જેટલી સોશિયલ મીડિયા પર સક્રિય રહ્યા હતા. ફેસબુક પર પોસ્ટ લખવા સિવાય તેમણે હાલના મુદ્દાઓ પર ટ્વિટ પણ કર્યું હતું.