Bharuch: ભરૂચના હાંસોટથી સુરત-ઓલપાડને જોડતો સ્ટેટ હાઇવે બંધ, કિમ નદીના પાણી ફરી વળ્યાં, વાહન વ્યવહાર બંધ
Bharuch: ભરુચ જિલ્લામાં દેમાર વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં પાણી જ પાણી થઈ ગયું છે. વડોદરા, જામનગર અને કચ્છ પછી ભરુચની સ્થિતિ કફોડી બની છે. વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદના કારણે ઉદ્દભવેલી સ્થિતિમાં કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે. ખાસ કરીને હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે.
વિગતો મુજબ સાહોલ અને વડોલી વાંક વચ્ચે કીમ નદીના પાણી માર્ગ પર ફરી વળ્યાં છે.પોલીસ બંદોબસ્ત ગોઠવી માર્ગ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
આસરમાં ગામ નજીક મુખ્ય માર્ગ બેટમાં ફેરવાઈ જવા પામ્યું છે.
હાંસોટ ખાતે કીમ નદીના પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળતાં હાંસોટ-ઓલપાડ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સુરતના ઓલપાડ અને હાંસોટને જોડતા માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. લોકોની સુરક્ષાના ભાગરૂપે પોલીસે રોડને વાહન વ્યવહાર માટે બંધ કરી દીધો છે. કીમ નદીના પાણીએ મોક્ષઘાટને પણ બાનમાં લીધુ છે અને હાલ વડોલી ગામનું મોક્ષઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
કીમ નદીના પાણી લોકોના ખેતરોમાં ફરી વળ્યા.