બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાને લઇને ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યાં છે. તેણે ગયા વર્ષે #MeToo કેમ્પેઇન દ્વારા નાના પાટેકર, ગણેશ આચાર્ય, રાકેશ સારંગ, સામી સિદ્દીકી અને રાખી સાવંતની ટિકા કરી હતી, પણ હાલમાં જ તેનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. જે ચર્ચામાં છે.
#MeToo કેમ્પેઇન શરૂ કરનારી અભિનેત્રી તનુશ્રી દત્તાએ નિવેદન આપ્યું છે કે, મેં પોતે ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ ગીત માટે ગણેશ આચાર્યની ભલામણ કરી હતી, પરંતુ જ્યારે મને મદદની જરૂર પડી ત્યારે તેણે મને મદદ ન કરી.
‘મેં લખાવેલી FIRમાં ચાર લોકોના નામ છે. મારું શોષણ માત્ર નાનાએ જ નથી કર્યું, પરંતુ આમાં 4 લોકો પણ સામેલ છે. એ સમયે હું 24 વર્ષની હતી. હું બોલિવૂડમાં કરિયર બનાવવા માગતી હતી. આ ઘટના પછી ગણેશ આચાર્યે ઇન્ડસ્ટ્રીમાં મારા વિશે ખોટી વાતો ફેલાવી અને મારું કરિયર પૂરું કરી નાંખ્યું.’
તનુશ્રીએ કહ્યું કે, રાખી સાવંતને મારી વિરુદ્ધ ઉભી કરવી અને મારી ઉપર આપત્તિજનક આરોપ લગાડવા એની પાછળ માત્ર ગણેશ આચાર્યનું જ મગજ હતું. મને આ વાતની જાણ થઇ છે કે, 10 વર્ષ પહેલાં અને 6 મહિના પહેલાં મારી સાથે જે થયું તે ગણેશ આચાર્યનું જ કર્યું છે.
‘આટલું અપમાન સહન કરીને પણ હું જીવું છું. હું રાખી સાવંત, ગણેશ આચાર્ય, નાના પાટેકર, રાકેશ સારંગ અને પ્રોડ્યુસર સામી સિદ્દીકીને શ્રાપ આપું છં. એમના બાળકોને પણ મારી જેમ માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મારા પરિવારને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, તેમના પરિવાર સાથે પણ આવું જ બધું થશે.’