વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને કાશ્મીરમાં અકસ્માત નડ્યો છે. જમ્મુ-પઠાનકોટ હાઈ વે પર બસ પલટી ખાતા બે લોકોના મોત થયા છે. તેમજ 23 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માતમાં મોતને ભેટનાર બંને મહિલા સુરતની હોવાની માહિતી મળી રહી છે. મૃતક મહિલાઓમાં એક મહિલા મુળ પલસાણાની વતની અને હાલમાં સાઉથ આફ્રીકાના જ્હોનિસબર્ગ ખાતે રહેતા મીનાબેન પીયુષભાઇ પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી મહિલા મૂળ પલસાણાની વતની અને હાલ અમેરીકાના જ્યૂજર્સી ખાતે રહેતી રિમલાબેન નરેશભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે.
જય ગણેશ દેવા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક વિજયભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સુરતના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રકાશભાઈ દ્વારા જમ્મુ કાશ્મીર જય ગણેશ દેવા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ ( JK 02 CB 1854) બુકીંગ કરાવવામાં આવી હતી. અને 25 જેટલા શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શને ગયા હતા. આજે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ ગુજરાતના યાત્રીઓ વૈષ્ણોદેવીની યાત્રા કરીને અમૃતસર તરફ જઈ રહ્યા હતા. તેઓ વાઘા બોર્ડર પરની પરેડ જોવા માટે નીકળ્યા હતા. દરમિયાન જમ્મુ કશ્મીરના કઠુઆમાં જમ્મુ-પઠાણકોટ હાઈવે પર બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ જતા બે મહિલાના મોત થયા છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને કઠુઆ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 19 ઈજાગ્રસ્તોને જમ્મુની સરકારી મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.