મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના યુવાધનને શિક્ષણ સાથે રોજગારી સર્જન માટે રાજ્યમાં તા. 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી-2019 સુધી 33 જેટલા મેગા પ્લેસમેન્ટ ફેર યોજીને હર હાથ કો કામ નો મંત્ર પાર પાડવાની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, 60 ટકાથી વધુ યુવાશકિત ધરાવતા ભારતમાં યુવાધનના શકિત સામર્થ્યને યોગ્ય રોજગાર અવસર આપીને ગુજરાત રોજગાર સર્જન અને યુવાશકિતને નિખાર આપવામાં પણ રોલ મોડેલ બને તેવી નેમ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના વિદ્યાર્થીઓ માટે 60 હજારથી વધુ રોજગારીની તકો પ્લેસમેન્ટ પૂરી પાડતા મેગા પ્લેસમેન્ટ ફેર નો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભૂતકાળના શાસનોમાં રોજગારની વાતો થઇ પરંતુ કોઇ નક્કર આયોજનો થયા નહિ. યુવાપેઢીમાં રોજગારની ચિંતા વ્યાપેલી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા પેઢીનું ભાવિ ઉજ્જવળ બને તેવા હેતુથી સ્કીલ ઇન્ડીયા, મેઇક ઇન ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયા, આઇક્રિયેટ જેવા અભિયાનોથી દેશના યુવાધનને વિશ્વ યુવા બનાવ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વાઇબ્રન્ટ સમિટ જેવા આયોજનોથી આજે ગુજરાત વેપાર-વાણિજ્યમાં દુનિયામાં ટોપ પર ચર્ચામાં છે અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બની ગયું છે.
ગુજરાતે ઊદ્યોગોને અનુરૂપ માનવસંશાધન તૈયાર કરવા સાથે યુવાધનને તક આપવાની પણ પહેલ કરી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. સ્કીલ હોય-યુવાધન હોય, સજ્જતા હોય ત્યારે આવનારી સદી યુવાનોની બનશે અને ગુજરાત એમાં રોલ મોડેલ બનશે જ.
મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ડાયરેકટર ટેકનીકલ એજ્યુકેશન અને મારૂતિ મોટર્સ, CII સહિતના જૂથો સાથે સ્કીલ ડેવલપમેન્ટ અને સેન્ટર ઓફ એકસલન્સથી રોજગાર સર્જનના MoU થયા હતા. મુખ્યુમંત્રીએ આ પ્લેસમેન્ટ ફેરમાં શ્રેષ્ઠ નોકરી દાતાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યુ હતું તેમજ પ્રતિકરૂપે યુવાનોને નિમણૂંક પત્રો આપ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અમદાવાદ ખાતે પ્રારંભ કરાવેલા ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો પ્લેસમેન્ટ પૂરી પાડતા મેગા પ્લેસમેન્ટ ફેરમા દિવસ દરમ્યાન 92 વિદ્યાર્થીનું નોકરી માટે સિલેક્ષન કરવામાં આવ્યું છે
આ મેગા પ્લેસમેન્ટ ફેરમા 26 જેટલી કંપનીઓ ઉપસ્થિત રહી 1015 જેટલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લીધા હતા જેમાંથી 92 જેટલાનું સિલેક્ષન કરવામાં આવ્યું છે. સાથોસાથ 504 વિદ્યાર્થિની પસંદગી યાદી બનાવવામાં આવી છે.
મેગા પ્લેસમેન્ટ ફેરમા આવેલ કંપનીઓમાં અરવિંદ મિલ્સ, આઇ.સી.આઇ.સી બેન્ક, કોટક મહેન્દ્ર બેન્ક, એસ.બી.આઇ કાર્ડસ અને જસ્ટ ડાયલનો સમાવેશ થાય છે. યુવાધનને શિક્ષણ સાથે રોજગારી સર્જન માટે રાજ્યમાં તા. 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી-2019 સુધી 23 જેટલા મેગા પ્લેસમેન્ટ ફેર યોજાવાના છે.