એસ.ટી.કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઇને આગામી તા.૫ ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા પૂનઃઆંદોલન શરૂ કરવાનું નક્કી કરાયું છે. ઘણા લાંબા સમયથી કરવામાં આવતી વારંવારની રજૂઆત છતાંય કર્મચારીઓના પ્રશ્નોનોનું સુખદ નિરાકરણ હજુ સુધી ન આવતા કર્મચારીઓએ રાજ્યવ્યાપી હડતાળનું આખરી અલ્ટીમેટમ આપી દીધું છે.
સાતમાં પગાર પંચનો તાત્કાલિક અમલ કરવો, ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી, વર્ષ ૨૦૧૧ પહેલાના આશરે ૧૦૦૦ જેટલા આશ્રિતોનો નોકરી આપવાની મુખ્ય માંગણી કરવામાં આવી છે.
વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓની અકારણ આંતર વિભાગીય બદલીઓ કરી દેવાઇ છે. તે રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવાની માંગણી છે. ખાનગી વાહનો ભાડે લેવાની નીતિ રદ કરવી, બદલી અંગેના પરિપત્રો રદ કરવાની માંગણી પડતર છે.
‘નિગમ બચાવો ‘ના નારા સાથે કર્મચારીઓએ આગામી તા.૫ ફેબુ્રઆરીથી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચિમકી આપી છે. નોંધપાત્ર છેકે અગાઉના આંદોલનો, રાજ્યવ્યાપી હડતાળો સમયે સરકારે તાત્કાલિક ધોરણે પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધારી આપી હતી. તેમ છતાંય આજદીન સુધી તેનો અમલ થઇ રહ્યો નથી. આમ કર્મચારીઓ છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે.