વલસાડના વાપીના છેવાડે આવેલા છીરી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં મોડી રાતે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. આ ભંગારનું ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલું હોવાથી આગ લાગતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો. સ્થાનિકોનો આરોપ એવો પણ છે કે, આ ભંગારનું ગોડાઉન ગેરકાયદેસર છે.
ત્યારે ભંગારના ગોડાઉનમાં ભારે આગ લાગતા ગોડાઉનની અંદર રહેલું પ્લાસ્ટિક, કાગળ સહિતના અનેક જ્વલનશીલ કેમિકલ વેસ્ટ વગેરે આગની લપેટમાં આવી ગયા અને જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું. આગે વિકરાળ રૂપ લેતા ભંગારનું ગોડાઉન બળીને ખાખ થયું છે.
આગની જાણ વાપી ફાયર વિભાગને કરવામાં આવતા વાપી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે આગ પર કાબૂ મેળવવા માટે પાંચ જેટલા ફાયર ફાઈટરની મદદ લેવાઈ. તો ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.