અમદાવાદ ના મીઠાખલી વિસ્તારમાં રહેતા અને રતનપોળમાં દુકાન ધરાવતા વેપારીને કોઈ અજાણી વ્યક્તિ એ ફોન ઉપર બેન્ક મેનેજર તરીકે ખોટી ઓળખ આપી એટીએમ કાર્ડની વિગતો મેળવી રૂ ૧.૨૨ લાખની છેતરપીંડી કરી છે. વેપારીએ કાળુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ૩૧ વર્ષીય દર્શીલ શેઠ મીઠાખલી વિસ્તારમાં આવેલા સાનિધ્ય પાર્કમાં પરિવાર સાથે રહે છે અને રતનપોળમાં શેઠવાળા બ્રધર્સ નામની કાપડની દુકાન ચલાવે છે.
મંગળવારે સવારે અંદાજે ૧૧.૪૫ વાગે તેમના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા મોબાઈલ નંબર ૯૭૭૫૫૬૩૪૫૨ ઉપર થી ફોન આવ્યો હતો. સામે છેડેથી વાત કરનાર વ્યક્તિ એ બેક ઓફ ઇન્ડિયાના બેક મેનેજર તરીકેની ઓળખ આપીને કહ્યું હતું કે, ‘તમારૂં એટીએમ કાર્ડ એક્સપાયર થઈ જશે, જો ચાલુ રાખવું હોય તો માહિતી આપો” એમ કહી દર્શીલ શેઠના એટીએમની વિગતો મેળવી હતી.
આ માહિતી મેળવ્યા બાદ અજાણી વ્યક્તિએ વારાફરતી એટીએમ કાર્ડ ની વિગતો દ્વારા કુલ રૂ ૧.૨૨ લાખ ની ખરીદી કરી લીધી હતી. આ બાબતની જાણ થતાં દર્શીલ શેઠે કાળુપુર પોલીસ નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે.
કાળુપુર પોલીસ ઇન્ડપેક્ટર આર જી દેસાઈ જણાવે છે કે “અમે રૂ ૧.૨૨ લાખની છેતરપીંડી ની ફરિયાદ નોંધી વધુ તપાસ માટે સાયબર સેલ ને ફરિયાદ મોકલી આપી છે.