સુરતની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીથી દર્દીનું મોત થતા પરિવારજનોએ ડોક્ટરો પર આરોપ લગાવ્યો છે. પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવતા અંતે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નોંધનીય છે કે આ હોસ્પિટલનું ગઈ કાલે જ વડાપ્રધાન દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે દર્દી ઉષા બેન કનુભાઈ પરમાર છેલ્લા એક અઠવાડિયાથી આ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમને છાતીમાં દુખાવો હતો અને માઈનોર એટેક હોય એવું જાણવામાં આવ્યું છે. આજ રોજ તેમનું મૃત્યુ નિપજતા પરિવારજનોએ ડોક્ટરો પર આક્ષેપ કર્યો હતો અને હોસ્પિટલમાં બબાલ મચાવી હતી. દસ દિવસ પછી તેમના દિકરાના લગ્ન હોવાથી તેમનો પરિવાર ખુબ આક્રોશમાં આવી ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આ હોબાળો શાંત પાડ્યો હતો.