રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા બાદ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે અને હજુ પણ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે.
આજના તાપમાનની વાત કરીએ તો નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વડોદરામાં 9 અને મહુવામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તરફ ઈડર અને ડીસામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, રાજકોટ અને અમરેલીમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ફૂંકાઈ રહેલા પવનના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે.
છેલ્લાં અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને જો તમે ઠંડી ઓછી થવાની રાહમાં બેઠાં છો તો તમારા માટે નિરાશાજનક સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણમાં આગામી 2 દિવસોમાં કોલ્ડવેવની અસર સર્જાઈ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે પણ માઠાં સમાચાર લઈને આવ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં છુટો છવાયો કમોસમી વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ઇન્ડસ ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આવામાં જો કમોસમી વરસાદ થાય છે તે ખેડૂતો માટે ચિંતા વધી જશે.