ગુજરાતના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની ધમકીઓ આપીને ખંડણી વસૂલતો ગેંગસ્ટર રવિ પુજારી ગુજરાત એટીએસની બાતમીના આધારે સાઉથ આફ્રિકામાં ઝડપાઈ ગયો છે. ગુજરાતમાં ગેંગસ્ટર રવિ પૂજારી સામે ખંડણીના ૧૬થી વધુ ગુના નોંધાયેલા છે.
સાઉથ આફિકામાં પકડાયેલા ગેંગસ્ટર રવિ પૂજારીનો કબજે પહેલા ગુજરાત એટીએસને મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર છોટારાજન સાથે રવિ પ્રકાશ પૂજારી અપહરણ કરીને ખંડણી વસૂલવા, હત્યા કરવા સહિતની ક્રીમીનલ પ્રવૃત્તિઓ આચરતો હતો.પછી રવિ પૂજારીએ પોતાનુ અલગ સામ્રાજય ઉભી કરીને ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં બિલ્ડરો, ઉદ્યોગપતિઓને મોબાઈલ કરીને ધમકીઓ આપીને કરોડો રૂપિયા વસૂલ્યા હતા.
રાજયના ગૃહવિભાગ દ્વારા કેસોની ગંભીરતાના ધ્યાને રાખીને તપાસ ગુજરાત એટીએસને સોંપી હતી. ગુજરાત એટીએસના એસએસપી હિમાશુ શુકલાએ રવિ પૂજારી જે નંબરો ઉપરથી ધમકીઓ આપતો હતો તે નંબરો સાઉથ આફ્રિકામાં હોવાનું લોકેશન મળતું હતું.પછી સાઉથ આફ્રિકામાં જે જગ્યાએ રવિ પૂજારી હોવાનું ચોક્કસ માહીતી મેળવી ગુજરાત એટીએસે મેળવીને કેન્દ્રના ગૃહવિભાગને આપી હતી.
કેન્દ્રના ગૃહવિભાગ દ્વારા સાઉથ આફ્રિકામાં ચોક્કસ લોકેશન આપીને રવિ પૂજારીને ઝડપી લેવામાં આવ્યો હતો. ગેંગસ્ટર રવિ પૂજારી સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખંડણી, અપહરણ, હત્યાના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે. હવે સાઉથ આફ્રિકાથી પ્રત્યાર્પણ દ્વારા ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ કરીને ગુજરાત એટીએસને પહેલા કબજે મળે તે માટે પ્રયાસ હાથ ધર્યા હોવાનું જાણવા મળે છે.
ગેંગસ્ટર રવિ પૂજારી સામે ગુજરાતમાં રાજકારણીઓ અને ધારાસભ્યોને ધમકીઓ આપવામાં આવી હતી.જેના લીધે રાજકારણીઓ અને ધારાસભ્યોને ગૃહવિભાગે સુરક્ષા આપી હતી.જો કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને રવિ પૂજારી વિરુધ્ધ કોઈ કડીઓ નહીં મળતા આરોપી મળી આવેથી તપાસ કરવામાં આવશે તેમ કહીને સમરી ભરી દીધી હતી.
ગેંગસ્ટર રવિ પૂજારી સામે ખંડણી સહિતના નોંધાયેલા ગુના અંગે ગૃહવિભાગે ગંભીરતાથી લઈને તપાસ ગુજરાત એટીએસને સોંપી દીધી હતી. એટીએસ દ્વાર તપાસના દસ્તાવેજો મેળવીને ધમકી આપવા માટે વાપરવામાં આવેલ મોબાઈલ નંબરો ટેકનિકલ સર્વેલન્સમાં મૂક્યા હતા.જેના આધારે રવિ પૂજારી સાઉથ આફ્રિકામાં હોવાની ચોક્કસ માહીતી મેળવી લીધી હતી. પછી રવિ પૂજારીનુ ચોક્કસ લોકેશન મેળવીને કેન્દ્રના ગૃહવિભાગને આપીને ઝડપી લીધો હતો. આમ આખુ ઓપરેશન ગુપ્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું.
ગુજરાત એટીએસના અધિકારીઓ અત્યાર સુધી એક ડઝનથી વધુ ગુજરાત બહારના આરોપીઓને ઝડપી લેવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.જેમાં દાઉદ ઈબ્રાહીમ ગેંગના ત્રણથી વધુ સાગરિતો, આઈએસઆઈએસના ત્રાસવાદીઓનો પણ સમાવેશ થાય છે.