કોલકતા પોલીસ દ્વારા સીબીઆઇના અધિકારીઓની અટકાયતના મામલે સીબીઆઇએ કડક વલણ અપનાવ્યું છે. સીબીઆઇ તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા આજે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઇ રંજન ગોગોઇની ખંડપીઠમાં અરજી દાખલ કરશે. આ મામલે સીબીઆઇ દ્વારા તુરંત સુનાવણીની માંગણી કરવામાં આવશે. સીબીઆઇનો આરોપ છે કે શારદા ચીટ ફંડ કૌભાંડની તપાસમાં પશ્ચિમ બંગાળ પોલીસ સહયોગ કરી રહી નથી.
આ મામલે સીબીઆઇના વચગાળાના ડાયરેકટર એમ.નાગેશ્વર રાવે કહ્યું છે કે કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની સામે પુરતા પુરાવા છે. તેમણે પુરાવાઓનો નાશ કરવાનો અને કાયદામાં અડચણ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કર્યો છે. નાગેશ્વર રાવે કહ્યું કે રાજીવ કુમારે તમામ પુરાવાઓને જપ્ત કરી લીધા છે. તેઓ દસ્તાવેજોને સુપ્રત કરવામાં સહયોગ કરી રહ્યા નથી. આ ઉપરાંત ઘણા પુરાવાઓનો નાશ પણ કર્યો છે.