લોકસભાની ચૂંટણી પહેલા ઉંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલે રાજીનામું આપી દીધા બાદ હવે કોંગ્રેસ તેમને મનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ગઇકાલ (રવિવારે) તો વિપક્ષના નેતાએ એક ટ્વિટ કરીને ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો. બીજી બાજુ કોંગ્રેસની ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાડા મારવા જેવી સ્થિતિ’ ઉદ્દભવી છે. હાલ કોંગ્રેસના હાઇકમાનથી લઇને ગુજરાતના પ્રભારી તેમના રાજીનામા પાછળનું અર્થઘટન કરી રહ્યા છે.
આશાબેન પટેલના રાજીનામાનું ઠીકરું હવે કિર્તીસિંહ ઝાલાના શિરે ફૂટ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું માનવું છે કે કિર્તીસિંહ ઝાલાના લીધે આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે. જેને લઇને કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે યોગ્ય કાર્યવાહી કરીને કિર્તીસિંહ વિરુદ્ધ આકરા પગલા ભર્યા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનો આદેશ હાલ સંગઠનના તમામ લોકોને પહોંચાડી દેવામાં આવ્યો છે. અને ચૂંટાયેલા લોકોનું સન્માન જાળવવા માટે એક ફરમાન કાઢવામાં આવ્યું છે. હવે કોંગ્રેસમાં કીર્તિસિંહ અંગે કોઇ નવો નિર્ણય ના લેવાય ત્યાં સુધી તેમને આપેલા આદેશનું પાલન કરવા પ્રભારીએ જણાવ્યું છે.