વૉટ્સએપ સાથે સંકળાયેલા એક ઊચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે ભારત સરકાર સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાવી રહી છે. આ નિયમો લાગુ થશે અને તેનું પાલન કરવા વૉટ્સએપ પર દબાણ કરવામાં આવશે તો કદાચ અમારે ભારતમાંથી આ સેવા સંકેલી લેવી પડશે.
કેમ કે સરકાર ઈચ્છે છે કે વૉટ્સએપ દરેક મેસેજને ટ્રેસ કરે. એટલે કે દરેક મેસેજની જાસૂસી કરે. વૉટ્સએપનું કહેવું છે, આ પ્રકારે જાસૂસી કરવી એ પ્રાઈવસીનો ભંગ છે, એ ભંગ કરવાને બદલે અમે વૉટ્સએપની સેવા સ્થગિત કરવાનું પસંદ કરીશું. વૉટ્સએપના વિશ્વભરમાં દોઢ અબજ દૈનિક વપરાશકારો છે, જ્યારે ભારતમાં રોજ ૨૦ કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. આખી દુનિયામાં વૉટ્સએપના સૌથી વધુ વપરાશકારો ભારતમાં છે.
વૉટ્સએપ અત્યારે ફેસબૂકની માલિકીનું છે. પરંતુ વૉટ્સએપે પહેલેથી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સિસ્ટમ લાગુ કરી છે. એટલે કે મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર સિવાય કોઈ મેસેજ આંતરીને વાંચી ન શકે. ખુદ વૉટ્સએપ પણ વપરાશકર્તાનો મેસેજ વાંચી ન શકે એવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવી છે.
ભારત સરકારે સોશિયલ મીડિયા મેસેજીસ માટે નવાં રેગ્યુલેશન તૈયાર કર્યા છે, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. આ રેગ્યુલેશન અત્યારે વિચારણા હેઠળ છે. એ રેગ્યુલેશનમાં એવી જોગવાઈ છે કે વૉટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ પ્રોવાઈડર સેવાએ મેસેજ ક્યાંથી થયો છે, તેનું મૂળ શોધી આપવું જોઈશે.