અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની બેદરકારીને લીધે શહેરભરમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા ૧૩ દિવસમાં જ સ્વાઇન ફ્લૂના કુલ ૨૩૯ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.
છેલ્લા બે દિવસમાં સ્વાઇન ફ્લૂથી વધુ બે દર્દીના મોત નિપજી ચૂક્યાં છે. અત્યારે એકલા ફેબ્રુઆરી મહિનામાં જ સાત દર્દીના મોત નિપજ્યાં છે. ૨૦૧૯માં સ્વાઇન ફ્લૂએ અત્યાર સુધી ૧૦ વ્યક્તિનો ભોગ લીધો છે. અમદાવાદ મ્યુનિ.એ શહેરભરમાં કરેલા સરવેમાં ૨૭૦૦ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે.
સ્વાઇન ફ્લૂથી માધુપુરાની ૬૦ વર્ષીય સ્ત્રીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા રાણીપના ૬૬ વર્ષીય પુરુષ દર્દીનું મોત નિપજ્યું છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી સવા લાખ ઘરોનો સરવે કરવામાં આવ્યો છે જેમાં કેટેગરી બીના ૨૭૪૨ શંકાસ્પદ કેસો સામે આવી ચૂક્યા છે.
જેથી મ્યુનિ.એ શંકાસ્પદ કેસો પૈકીના ૪૫૦ દર્દીઓને ઓળખી તેઓની સારવાર કરાવી આપી છે પણ શહેરમાં જે પ્રકારે સ્વાઇન ફ્લૂના કેસો સામે આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ. ઘરોમાં સરવે કરી રહી છે જેમાં શંકાસ્પદ લાગતા દર્દીઓને અલગ તારવી તેઓને આઇડેન્ટીફાઇવ કરાઇ રહ્યાં છે જે પૈકી કેટેગરી બીના શંકાસ્પદ લાગતા દર્દીઓની સારવાર પણ કરવામાં આવી રહી છે સાથે તેમના રિપોર્ટ કરાવવા માટેની પણ કામગીરી કરાઇ રહી છે.