જમ્મુ કાશ્મીરના શોપિયામાં વધુ એક આતંકવાદી હુમલો થયો છે. કીગમ ખાતે પોલીસસ્ટેશન પર આતંકીઓએ હુમલો કર્યો છે. કિગમ પોલીસ સ્ટેશન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે સેના દ્વારા જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં સુરક્ષાબળો દ્વારા જવાબી ફાયરિંગ કરાતા આતંકીઓ ભાગ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
મહત્વનું છે કે, આ અગાઉ પુલવામામાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં હુમલામાં 42થી વધુ જવાન શહિદ થયા છે. જ્યારે 40થી વધુ જવાન ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી છે. જોકે આ હુમલાને લઇને સરકાર પણ એક્શન મોડમાં આવી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે ડીજી સીઆરપીએફ સાથે વાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હુમલો કરનાર આતંકીની ઓળખ આદિલ અહેમદ ડાર તરીકેની સામે આવી છે. આ આતંકી જૈશ-એ-મોહમ્મદનો હોવાનું સામે આવ્યું છે. જવાનો જ્યારે ગાડીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે આદિલ અહેમદ ડાર નામના આતંકીએ કાર વડે જવાનોના વાહન પર ફિદાઈન હુમલો કર્યો હતો. આ હુમલો કરાયો ત્યારે CRPFના કાફલામાં 2500થી વધારે સેનાના અધિકારીઓ સવાર હતા. આ હુમલો IED બ્લાસ્ટ કરીને અંજામ આપવામાં આવ્યો હતો. સેના ઘાટીમાં ઘણા સમયથી ઓપરેશન ઓલ આઉટ કરી રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી કેટલાય આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જેનો બદલો લેવાના ઈરાદા સાથે આ હુમલો કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે.