આગમી લોકસભા ચૂંટણી પૂર્વે જ પ્રક્રિયામાં બાહ્ય પરિબળોની મધ્યસ્થી અટકાવવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો માટે નવા નિયમો લવાશે, એમ ફેસબૂક અને ગુગલ ઈન્ડિયાએ સોમવારે બોમ્બેહાઈ કોર્ટને જણાવ્યું હતું.
મતદાનના ૪૮ કલાક પૂર્વે સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ ઈચ્છતી જનહિત અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ નીતિન જામદારની બેન્ચ સમક્ષ ચાલી રહી હતી.
ફેસબુક વતી વરિષ્ઠ એડવોકેટ દારિયસ ખંભાતાએ કોર્ટને જણાવ્યું હતું કે ગયા વર્ષે અમેરિકા, બ્રાઝીલ અને ફ્રાન્સમાં શરૂ કરાઈ હતી એવી નવી નીતિ ભારતમાં પણ ૨૧ ફેબુ્રઆરી ૨૦૧૯ના રોજ બહાર પાડશે.
રાજકીય જાહેરાતો અથવા રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દા મૂકવા ઈચ્છતી વ્યક્તિ માટે ઓથોરાઈઝેશન પ્રક્રિયાનો નવી ફેસબૂક પોલિસીમાં સમાવેશ થશે. જાહેાત કરનારાએ ભારતીય પાસપોર્ટ, ડ્રાઈવર્સ લાઈસન્સ, પાન કાર્ડ, વોટર્સ આઈડીના રૂપમાં ઓલખપત્ર આપવું પડશે. તેમણે ભારતમાં પોતાનુંસરનામું ચકાસાવું પડશે અને ભારતીય ચલણમાં ચૂકવણી કરવી પડશે.
વરિષ્ઠ એડવોકેટ ઈકબાલ છાગલાએ જણાવ્યુંહતું કે ગૂગલ ઈન્ડિયાએ ૧૪ ફેબુ્રઆરીએ નવી નિયમાવલી શરૂ કરી છે. જેમાં ઓથોરાઈઝેશન અને વેરિફિકેશન પ્રક્રિયાનો સમાવેશ થશે. ભારતના ચૂંટણી પંચ પાસેથી પૂર્વપ્રમાણિત હશે એ જ જાહેરાતો આપી શકાશે.
સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાત માટે ૪૮ કલાકના બ્લેકઆઉટ પીરિયડ સંબંધે ફેસબૂલ અને ગૂગલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી મતદાન જુદા જુદા દિવસે હોવાથી તેનું નિયામન કરવું મુશ્કેલ બનશે. તેમણે કોર્ટને જણાવ્યુંહતું કે ચૂંટણી પંચ નિર્દેશ આપશે તો નિયમનો ભંગ કરનારી જાહેરાતને પાછી ખેંચી લેવાશે.