એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું એક દિવસીય માસ સીએલનું એલાન હવે અચોક્કસ મુદતની હડતાળમાં પરિવર્તિત થઇ ગયું છે. જેના કારણે ગઇકાલે રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત, વેપારી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ હાલાકી આજે પણ આમની આમ જ રહેશે કારણ કે આજે બીજા દિવસે પણ એસટીનાં કર્મચારીઓનો વિરોધ યથાવત છે.
આજે અમદાવાદ સહિત સુરતમાં એસટી કર્મચારીઓનો વિરોધ બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. કર્મચારીઓએ આજે શર્ટ ઉતારીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. તેમણે રૂપાણી સરકાર સામે પોતાની માંગણી નહીં સંતોષાઇ ત્યાં સુધી અમે મક્કમ છીએ તેમ જણાવ્યું છે.
કર્મચારીઓની માંગણીઓ સામે સરકારે મચક નહિ આપતા કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરી જતા સમગ્ર ભરૂચ જિલ્લાનો એસ.ટી. વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.અને હજારો મુસાફરો અટવાયા હતા આંદોલનને ઉગ્ર બનાવી એસ.ટીકર્મીઓ દ્વારા અર્ધ નગ્ન થઈ પોતાનો વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર કર્યા હતા.