અમદાવાદમાં આજે આગના બે બનાવો બન્યા હતા, જેમાં આજે સવારે હેલ્મેટ સર્કલ પાસે આવેલા રૃદ્વ આર્કેડ બિલ્ડીગમાં આવેલા એટીએમમાં ભીષણ આગ લાગી હતી, આગના કારણે એટીએમમાં રૃા. ૧૮ લાખની રોકડ બળી ગઇ હતી. બિલ્ડીગમાં આવેલી છ દુકાનોમાં સામાન બળી ગયો હતો તેમજ બિલ્ડીગમાં ત્રણ હોસ્પિટલો આવેલી હતી, આગના કારણે દર્દી અને સગાના જીવ પડીકે બંધાયા હતા અને દોડધામ મચી જવા પામી હતી. એક હોસ્પિટલમાં સાધનો અને જરૃરી દસ્તાવેજો બળી ગયા હતા. બિલ્ડીગથી કાચથી મઢેલુ હોવાથી આગ બુઝાવવા ફાયરના કર્મચારીઓને ભારે હાલાકી પડી હતી. જ્યારે સનાથલ સર્કલ પાસે ડમ્પર બળી ગયું હતું, જો કે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
ડ્રાઇવ-ઇન રોડ પર હેલ્મેટ સર્કલ પાસેના રૃદ્વ આર્કેડ બિલ્ડીગમાં આવેલા ઇન્ડીયન બેન્કના એટીએમમાં આજે સવારે ૮.૧૫ કલાકે કોઇક કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. આગના કારણે એટીએમમાં અંદાજીત ૧૮ લાખની રોકડ બળી ગઇ હતી. બિલ્ડીગમાં નર્સીગ હોમ સહિત ત્રણથી વધુ હોસ્પિટલો આવેલી હતી આગની ઘટનાના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દી અને તેમના સગાએ દોડધામ મચાવી મૂકી હતી, આગથી એક હોસ્પિટલમાં તો સાધનો અને જરૃરી દસ્તાવેજો બળી ગયા હતા. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ આવી પહોચી હતી.
ફાયર બ્રિગેડના એડીશન ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ એટીએમમાં એટલી ભીષણ આગ લાગી હતી કે ૧૮ લાખ કેસ તથા આખુ એટીમ બળી ગયું હતું. આગની ઝપેટમાં છ જેટલી દુકાનોને પણ આવી ગઇ હતી, ફાયરના કર્મચારીઓએ આગ પર સતતા પાણીનો મારો ચાલવતાં આગ વધુ પ્રસરવા દીધી ન હતી, એક તરફ આગના ધુમાડાના ગોટે ગોટા અને બીજીતરફ આખુ બિલ્ડીગ કાચથી મઢેલુ હોવાથી ગરમીના કારણે ધડાકા સાથે કાચ તૂટીને નીચે પડતા હોવાથી ફાયરના કર્મચારીઓને આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. જો કે આગ કયા કારણોથી લાગી હતી તેનું ચોક્કસ કારણ એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.
અન્ય એક બનાવમાં આજે બપોરે ૨.૪૫ વાગે સનાથલ સર્કલ પાસે ચાલુ ડમ્પરમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હતી જેથી ડ્રાઇવર સમય સૂચકતા વાપરીને કૂદી પડયો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. આગના કારણે ટાયરો અને કેબીન બળી ગઇ હતી. રોડ પર આગ લાગતાં સરખેજથી બાવળા જવાના રોડ પર ટ્રાફિક ચક્કાજામ થઇ જવા પામ્યો હતો. જો કે આગની જાણ થતાં ફાયર બ્રિગેડના કર્મચારીઓએ દોડી જઇને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે આગના બન્ને બનાવમાં સદ્નસીબે કોઇ જાનહાનિ થયેલી નથી.