બાબા સિદ્દીકીની હત્યા બાદ દેશભરમાં જાણીતા કુખ્યાત ગેંગસ્ટર્સમાં ગણના પામેલા લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈએ ખુલાસો કર્યો છે કે પરિવાર જેલમાં રહેલા બિશ્નોઈની દેખભાળ માટે દર વર્ષે 35 થી 40 લાખ રૂપિયા ખર્ચે છે. રિપોર્ટ અનુસાર, 50 વર્ષીય રમેશ બિશ્નોઈએ કહ્યું કે પરિવારે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ભવિષ્યમાં અપરાધી બની જશે.
પિતરાઈ ભાઈએ માહિતી આપી
લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશે કહ્યું, “અમે હંમેશાથી અમીર રહ્યા છીએ. લોરેન્સના પિતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા અને ગામમાં તેમની 110 એકર જમીન છે. લોરેન્સ હંમેશા મોંઘા કપડાં અને જૂતા પહેરતો હતો. અત્યારે પણ પરિવાર તેના પર જેલમાં વાર્ષિક 35-40 લાખ રૂપિયા ખર્ચે છે. લોરેન્સ ગેંગે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે અને દાવો કર્યો છે કે તેણે સલમાન ખાન સાથેની નિકટતાને કારણે આ હત્યા કરી છે. જો કે પોલીસ આ હત્યામાં લોરેન્સ બિશ્નોઈની સંડોવણી અંગે તપાસ કરી રહી છે.
કેનેડિયન પોલીસે લોરેન્સ બિશ્નોઈ સામે આરોપો લગાવ્યા
કેનેડિયન પોલીસે એવો પણ આરોપ લગાવ્યો છે કે લોરેન્સ બિશ્નોઈની ગેંગ તેમના દેશમાં ભારત સરકારના એજન્ટો સાથે મળીને હિંસક પ્રવૃત્તિઓ કરી રહી છે, જેને ભારતે નકારી કાઢ્યું છે. બાબા સિદ્દીકીની હત્યામાં સંડોવાયેલા હુમલાખોરોને પકડવા માટે પોલીસ સઘન દરોડા પાડી રહી છે.